નર્મદા જિલ્લામાં 98 મતદારોએ બેલેટ પેપરથી નિવાસ સ્થાને જ મતદાન કર્યું

admin
3 Min Read

નર્મદા જિલ્લામાં 80 વર્ષથી વધુ વયના માન્ય ઠરેલા 113 મતદારો પૈકી 98 મતદારોએ પોતાના નિવાસ સ્થાને જ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. જેમાં નર્મદા જિલ્લામાં 01 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. જેમાં નર્મદા જિલ્લાના નાગરિકોને અચૂક મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર સહભાગી થવાનો સંદેશો આપતા વયોવૃદ્ધ મતદારો નર્મદા જિલ્લામાં વૃદ્ધો તેમનું મતદાન સુગમ્યયુક્ત વાતવરણમાં સરળતાથી કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ છે નાંદોદ અને દેડિયાપાડા બંને વિધાનસભા વિસ્તારમાં મળી કર્મચારીઓની કુલ 12 ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી છે.

જ્યારે નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ નાંદોદ વિધાનસભા વિસ્તારમાં વસવાટ કરતા 80 વર્ષથી વધુ વયના નાગરિકો માટે ફોર્મ 12-D હેઠળ માન્ય રાખેલી યાદી મુજબના વયોવૃદ્ધ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ૩૦ જેટલાં વયોવૃદ્ધ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે દેડિયાપાડા વિધાનસભા મતદાર વિસ્તારમાં વયોવૃદ્ધ મતદાતાઓ માટે યોજાયેલા પોસ્ટલ બેલેટ મતદાનમાં માન્ય ઠરેલા 73 મતદાતાઓ પૈકી 68 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સમગ્ર જિલ્લામાં કુલ મળીને 113 નોંધાયેલા વયોવૃદ્ધ મતદાતા પૈકી 98 મતદાતાઓએ તેમના નિવાસસ્થાને જ ટપાલથી મતદાન કર્યું હતું. ચૂંટણી કામગીરીમાં જોડાયેલા અધિકારીઓઅને પોલીસ જવાનોની કુલ 12 જેટલી ટીમો દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી હતી.

વિધાનસભા-2022ની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 80 વર્ષથી વધુ વય ધરાવતા નિર્દિષ્ટ મતદાર નાગરિકો માટે ચૂંટણીમાં ઘર આંગણે જ ટપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. વયોવૃદ્ધ મતદાતાઓના ઘરે પહોંચેલી ટીમ દ્વારા જે-તે મતદારને મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા અંગે સમજાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની પાસે મતદાન કરાવી મતદાનની સંપૂર્ણ ગુપ્તતા પણ જાળવવામાં આવી હતી.

નાંદોદ વિધાનસભા મતદાર વિભાગમાં હાથ ધરાયેલી પોસ્ટલ બેલેટની મતદાન પ્રક્રિયા દરમિયાન પોતાનો મત આપી ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલી આ વ્યવસ્થા સંદર્ભે આભાર વ્યક્ત કરતા રાજપીપલાના ભાટવાડા વિસ્તારમાં રહેતા અરવિંદકુમાર અમરસિંહ બારોટે જણાવ્યું હતું કે, ચૂંટણીપંચ દ્વારા આ ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. અમારા જેવા વૃદ્ધ મતદારો કે જેઓ મતદાન કરવા માટે મતદાન મથક સુધી જઈ શકતા નથી તેમના માટે મતદાન પૂર્વે ઘર આંગણે આવીને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા પુરી પાડવામાં આવી છે. જેથી લોકશાહીના આ મહાપર્વમાં કોઈપણ મતદાતા તેના મતાધિકારથી વંચિત ન રહે. આજે મારી મતદાનની પવિત્ર ફરજ અદા કરીને લોકશાહીના ઉત્સવમાં સહભાગી બની ગર્વની લાગણી અનુભવું છું.

Share This Article