આણંદ જિલ્લામાં અધિકારીઓએ ઉત્સાહપૂર્વક પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ

admin
2 Min Read

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી (Gujarat Assembly Election 2022) અંતર્ગત આણંદ જિલ્લાની 7 બેઠકો ઉપર આગામી તારીખ 5 મી ડીસેમ્બરના રોજ મતદાન થવાનું છે. મતદાનની આ પ્રક્રિયા દરમિયાન ચૂંટણીલક્ષી કાર્ય સાથે જોડાયેલા જિલ્લાના સાત મતદાર વિભાગના પોલીસ, હોમગાર્ડ અને એસ.ટી. વિભાગના અધિકારી- કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતુ.

પોસ્ટલ બેલેટથી મતદાન આણંદ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ હાઈસ્કુલ ખાતે યોજાયેલા આ પોસ્ટલ બેલેટથી મતદાનમાં જિલ્લાના તમામ મતદાર વિભાગના પોલીસ, હોમગાર્ડ અને એસ.ટી. વિભાગના અધિકારી- કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોસ્ટલ બેલેટથી મતદાન કરી તેમની ફરજ અદા કરી હતી. આ સાથે જ પેટલાદના નાયબ પોલીસ અધિક્ષક પી.કે.દીયોરાએ ઉપસ્થિત રહી તેમનો કિંમતી મત આપ્યો હતો. આ તકે તેમણે જણાવ્યું હતુ કે, હું દરેક ચૂંટણીઓમાં મતદાન અવશ્ય કરૂં છું, ફરજમાં હોવા છતાં પણ પોસ્ટલ બેલેટથી મત આપી મતદાન કરવાનું ચુકતો નથી. અને તેથી જ લોકોને કહું છું કે, આપણે મતદાનના અધિકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઇએ.

લોકશાહીના આ પર્વમાં સહભાગી બનવા જિલ્લાના પોલીસ, હોમગાર્ડ અને એસ.ટી. વિભાગના અધિકારી- કર્મચારીઓએ મળી પોસ્ટલ બેલેટથી ખુબ જ ઉત્સાહભેર મતદાન કરીને લોકોને વધુમાં વધુ મતદાન કરવાનો સંદેશો આપ્યો હતો.મતદાર વિભાગ નોંધનીય છે કે, આણંદ જિલ્લાના પોલીસ, હોમગાર્ડ અને એસ.ટી. વિભાગના 3015 અધિકારી-કર્મચારીઓ પૈકી 2377 અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી તેમની ફરજ અદા કરી હતી. સાતેય મતદાર વિભાગના અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કરેલ મતદાન પૈકી ખંભાત મતદાર વિભાગના 549 પૈકી 454, બોરસદ મતદાર વિભાગના 858 પૈકી 688, આંકલાવ મતદાર વિભાગના 228 પૈકી 194, ઉમરેઠ મતદાર વિભાગના 460 પૈકી 360, આંણંદ મતદાર વિભાગના 308 પૈકી 250, પેટલાદ મતદાર વિભાગના 159 પૈકી 126અને સોજીત્રા મતદાર વિભાગના 453 પૈકી 305 અધિકારી-કર્મચારીઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Share This Article