પલસાણા પાસેના જોળવામાં હોટલના માલિક પર ફાયરિંગ

admin
2 Min Read

પલસાણાના જોળવા ગામે આવેલી જીઆઇડીસીની સામે હોટલ માલિક અને તેના બનેવી પર બાઈક પર આવેલા 3 ઈસમોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં હોટલ માલિક અને રાહદારી વિદ્યાર્થીને ગોળી વાગતા નિર્દોષ રાહદારી કોલેજીયનનું મોત થયું હતું. જ્યારે હોટલ માલિકને હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે તેમના બનેવીને લાકડાથી હુમલો કર્યો હોવાથી સારવાર હેઠળ છે. પલસાણાના જોળવા ગામ તરફ જવાના રસ્તા પર આવેલી દર્શના જીઆઈડીસીની સામે મોહન પરિડા નામનો યુવક આરાધના કોમ્લેક્સમાં માં કૃપા હોટલ ચલાવે છે. જોળવા ગામનો બુટલેગર બન્નાને અગાઉ દારૂના કેસમાં પોલીસે ઝડપી પાડ્યો હતો. જે મોહન પરિડાએ પકડાવ્યો હોવાનો વહેમ રાખી બુધવારે સાંજે 7:30 વાગ્યે બન્નાએ અન્ય 2ને લઈ પલ્સર પર આવી મોહન પરિડા સાથે ઝઘડો કર્યો હતો. જેમાં હોટલમાં હાજર મોહનનો બનેવી મિથુન પણ હાજર હોય તેને લાકડાથી માર માર્યો હતો, જ્યારે મોહન પર આડેધડ ફાયરિંગ કરતા હોટલ માલિકને જાંગ અને કમરના ભાગે ગોળી વાગી હતી, જ્યારે આ સમયે ત્યાંથી પસાર થતા રોશન જીતુ હળપતિ રહે. જોડવાને પણ ગોળી વાગતા મોત થયું હતું. બુટલેગર બન્ની અને 2 હેલ્મેટ ધારી 3 ઈસમો ભાગી ગયા હતા. મોહનને સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યો છે. જ્યારે મિથુન ચલથાણની હોસ્પિટલમાં છે. ફાયરિંગમાં નિર્દોષ યુવક રોશન હળપતિનું મોત થયું છે. જે કોલેજના 2જા વર્ષમાં અભ્યાસ કરે છે. સાંજે જીમમાંથી પરત ઘરે ફરતો હતો, ત્યારે ફાયરિંગ થયું અને યુવકને ગોળી વાગી જતા મોત થયું હતું.

Share This Article