રાજ્યના હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરી હતી, જેના કારણે આજે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આજે વહેલી સવારથી અનેક જગ્યાએ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અવિરત વરસાદના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ખેડા, નડિયાદ, ડાકોર, વડોદરા, સાબરકાંઠા, આણંદ, દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ સિવાય વીજ કરંટથી 4 પશુઓના મોત થયાના સમાચાર છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી સતત પડી રહેલી ગરમીના કારણે લોકો મુંઝવણમાં મુકાઈ ગયા હતા અને વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે વરસાદ પડતા લોકોએ રાહતની લાગણી અનુભવી હતી. આ સાથે અનેક વિસ્તારોમાં વાવણી માટે યોગ્ય વરસાદ થતાં ખેડૂતોની ખુશીમાં વધારો થયો છે. વલસાડ અને વડોદરામાં આજે વહેલી સવારે વરસાદ પડ્યા બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો.
આજે સવારથી રાજ્યમાં અનેક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો, તો બીજી તરફ કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો. સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સાંબરકાંઠા જિલ્લાના ઇડર, વડાલી, ખેડબ્રમા, વિજયનગરમાં વરસાદ પડ્યો હતો. આ સાથે આણંદ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સવારથી પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
રાજ્યમાં આજે પડેલા વરસાદમાં દાહોદ અને ડાકોરમાં પણ વરસાદ નોંધાયો છે. દાહોદ જિલ્લાના લીમડી, ઝાલોદ, લીમખેડા, ધાનપુર સહિતના તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે અને બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો હતો. દાહોદ ઉપરાંત ડાકોરમાં પણ વહેલી સવારથી વરસાદ પડ્યો હતો જેના કારણે ડાકોરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. ડાકોર, કાલસર, ધુનદ્રા, અગરવા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે.
ખેડા, નડિયાદ, માતર સહિતના પંથકમાં સવારથી વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બસના વળાંક પરથી ગરનાળામાં ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવવા નડિયાદમાની ખાનગી કોલેજની બસ આવી પહોંચી હતી.
ગત રાત્રિથી પંચમહાલ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. છેલ્લા બે કલાકની વાત કરીએ તો પંચમહાલમાં 90 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વડોદરામાં 69 મીમી જ્યારે આણંદમાં 61 મીમી વરસાદ નોંધાયો હતો.
