અમદાવાદીઓની જીવાદોરી સમાન એવી વ્હીસલ બસમાં આજે વધુ એક અકસ્માત સર્જાયો છે અને તેમાં એક વૃદ્ધનું મોત નિપજ્યું છે. અમદાવાદમાં સિટી બસના ચાલકો બેફામ રીતે બસ હંકારીને મુસાફરોના જીવ જોખમમાં મૂકતા હોવાની અનેક ફરિયાદો સામે આવી છે. ત્યારે પણ બસ ચાલકો બેઈમાનીથી બસ ચલાવે છે. જેના કારણે સામાન્ય લોકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. આજે શાહપુર વિસ્તારમાં AMTS બસનો અકસ્માત થયો હતો. જેમાં એક વૃદ્ધનું મોત થયું હતું. આ અકસ્માત બાદ બસ ચાલક બસ મુકીને નાસી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના શાહપુર વિસ્તારમાં શાહપુર ચાર રસ્તા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી AMTS બસે રાહદારીને ટક્કર મારી હતી. બસનું ટાયર રાહદારી પર ફરી વળતાં વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જો કે અકસ્માત સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડતાં બસ ચાલક બસ મુકીને નાસી ગયો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
અકસ્માત અંગેની જાણ અકસ્માતનો ભોગ બનનારના પરિવારજનોને કરાતાં પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી તેમજ અકસ્માત સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરી ફરાર બસ ચાલકની શોધખોળ શરૂ કરી હતી. AMTS બસે સામાન્ય લોકોના જીવ લીધા હોય તેવી આ પહેલી ઘટના નથી. તાજેતરમાં વિશાલા સર્કલ પાસે સિગ્નલ પર લાલ લાઇટના કારણે રસ્તા પરના વાહનો થંભી ગયા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી AMTSએ એક રિક્ષા અને બે કારને ટક્કર મારી હતી. જેમાં એક બાળકી અને એક મહિલાને ઈજા થઈ હતી.
