ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જસ્ટિસ સુનીતા અગ્રવાલને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી છે. જસ્ટિસ સુનીતા અગ્રવાલ હાલમાં ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદ હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ જજ તરીકે સેવા આપી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં જસ્ટિસ સોનિયા ગોકાણીની નિવૃત્તિ બાદ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું પદ ખાલી છે. જસ્ટિસ આશિષ દેસાઈ હાલમાં ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ છે. જો કેન્દ્ર સરકાર કોલેજિયમની ભલામણને સ્વીકારે છે, તો જસ્ટિસ અગ્રવાલ હાલમાં સમગ્ર ભારતમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપતા એકમાત્ર મહિલા હશે.
સુપ્રિમ કોર્ટ કોલેજિયમે સુનિતા અગ્રવાલને ગુજરાત હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી છે. ગુજરાત હાઈકોર્ટને આ બીજી મહિલા ચીફ જસ્ટિસ મળે તેવી શક્યતા છે. સુનીતા અગ્રવાલ 21 નવેમ્બર 2011ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટમાં જજ બન્યા હતા. તેમની પાસે હાઈકોર્ટમાં જજ તરીકે 11 વર્ષથી વધુનો અનુભવ છે. તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ જજ છે. જો કોલેજિયમની ભલામણ મંજૂર થશે તો સુનિતા અગ્રવાલ ગુજરાતના બીજા મહિલા મુખ્ય ન્યાયાધીશ બનશે.
ગુજરાત હાઈકોર્ટના વર્તમાન કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ આશિષ દેસાઈને કેરળ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવા કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી છે. સોનિયા ગોકાણી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદેથી નિવૃત્ત થયા બાદ વરિષ્ઠ ન્યાયાધીશ આશિષ દેસાઈ ગુજરાત હાઈકોર્ટમાં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યરત હતા. તેઓ 21 નવેમ્બર 2011ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે નિયુક્ત થયા હતા. તેઓ ગુજરાત હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ જજ છે. કેરળ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ. વેંકટનારાયણ ભટ્ટીની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે ઉન્નતિને કારણે આશિષ દેસાઈને કેરળ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
