આતંકી હુમલાના એલર્ટને લઈ સોમનાથ અને અંબાજી મંદિરે સુરક્ષા વધારાઈ

admin
1 Min Read

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ-370ને હટાવાયા બાદ ઈન્ટેલિજન્સ એજન્સીઓએ સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે એલર્ટ જાહેર કર્યુ છે.જેને લઈ ગુજરાતના મોટા શહેરો તેમજ ધાર્મિક સ્થળોએ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. હુમલાના એલર્ટના પગલે અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. જે અંતર્ગત દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન ધરાવતું સોમનાથ મહાદેવ ખાતે પણ સુરક્ષા વધારો કરાયો છે. એકતરફ પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ચુક્યો છે અને ત્યારે કેન્દ્ર સરકારે કાશ્મીરમાંથી કલમ 370 અને અનુચ્છેદ 35-એ હટાવતાં પાકિસ્તાન રઘવાયું બન્યું છે.

 

ખુદ ત્યાંના વડાપ્રધાન ઇમરાનખાને ત્યાંની સંસદમાં ઈશારો કર્યો છે કે ભારત પર પુલવામાં જેવા હુમલા થઈ શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિરમાં રાજ્ય પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્ત કડક કરી દેવાયો છે. અત્યારે પોલીસ જવાનો ઉપરાંત એસઆરપી, મંદિર સિક્યુરીટીનો સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે. ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરમાં 1 ડીવાયએસપી, 3 પીઆઈ, 6 પીએસઆઈ, 102 પોલીસ જવાનો, 80 જીઆરડીના જવાનો સાથે એક કંપની એસઆરપીના જવાનો સુરક્ષામાં ફરજ બજાવશે તો સોમનાથ મંદિર માટે ફળવાયેલ બોમ્બ ડીસપોઝલ સ્ક્વોડ મંદિરમાં દિવસ દરમિયાન વારંવાર ચેકીંગ કરી રહ્યું છે. ઉપરાંત અંબાજી મંદિર ખાતે પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

Share This Article