પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં એક કેબલ કાર 1200 ફૂટની ઊંચાઈએ ફસાઈ ગઈ. સ્થાનિક પ્રશાસનના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમાં છ બાળકો છે. સ્થાનિક લોકો દૂરના પર્વતીય ગામડાઓ સુધી પહોંચવા માટે આ પ્રકારની કેબલ કારનો ઉપયોગ કરે છે. ખૈબર પખ્તુનખ્વાના વહીવટી અધિકારી અબ્દુલ બશીત ખાને એએફપીને જણાવ્યું હતું કે આ ઘટના યાંત્રિક ખામીના કારણે બની હોવાનું શરૂઆતમાં માનવામાં આવે છે. કેબલ કાર અધવચ્ચે જ હતી ત્યારે આ ઘટના બની હતી.
બશીત ખાને જણાવ્યું હતું કે, “એક એન્જિનિયરે દાવો કર્યો હતો કે કેબલ કાર જેના પર હતી તેમાં ખામીને કારણે આ ઘટના બની હતી. જો કે, ઘટનાના ચોક્કસ કારણની તપાસ કરવામાં આવી રહી છે.”
બચાવ કાર્ય માટે દેશની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીને બોલાવવામાં આવી હતી. સેનાના હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી છે. ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે જણાવ્યું હતું કે એક કેબલ કાર અચાનક એક હજાર ફૂટની ઊંચાઈએ ફસાઈ ગઈ હતી, જેના કારણે ફસાયેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.
ફસાયેલા મુસાફરોમાં કેટલાક શાળાના બાળકો પણ હતા. રેસ્ક્યુ ટીમે કહ્યું કે જે જગ્યાએ કેબલ કાર ફસાઈ છે તે ખૂબ જ મુશ્કેલ પહાડી વિસ્તાર છે. જમીનથી ઉંચાઈ પણ ઘણી વધારે છે. પરિણામે બચાવ કામગીરીમાં થોડો સમય લાગે છે. ખૈબર પખ્તુનખ્વાના ટોચના અધિકારી હમ્માદ હૈદરે જણાવ્યું હતું કે, “સેનાની મદદ લેવામાં આવી છે. આ બચાવ કામગીરી હેલિકોપ્ટર વિના શક્ય નથી.”
