સાઉદી અરેબિયા અને રશિયાએ એક તરફ ક્રૂડ ઓઇલ ઉત્પાદન પર નિયંત્રણ મૂક્યા અને બીજી તરફ બજારમાંથી પુરવઠો ઓછો થવા દીધો, પરિણામે ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ ૯૫.૩૪ ડોલર અને ડબલ્યુટિઆઈ ૯૫.૦૩ ડોલર પ્રતિ બેરલની, નવેમ્બર ૨૦૨૨ પછીની ઊંચાઈએ પહોંચી ગયા. ૨૦૨૨ના પ્રથમ ત્રિમાસિકમાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ પહેલી વખત વર્તમાન ત્રિમાસિકમાં સૌથી વધુ ભાવ વૃધ્ધિ જોવાઈએ છે. નિકાસમાં બહુ મોટો ઘટાડો જોવા નથી મળ્યો એ જોતાં નજીકના ભવિષ્યમાં ભાવ ઘટાડો સંભવિત નથી જણાતો. આટલું અધૂરું હોય તેમ કેટલાંક એનાલિસ્ટ ભાવ ૧૦૦ ડોલર પ્રતિ બેરલ થવાની આગાહી કરી રહ્યા છે. અલબત્ત, તેઓ આ સંભાવના જોઈ રહ્યા છે, પણ સાથે જ કહી રહ્યા છે કે ૧૦૦ ડોલર બટકણા ભાવ હશે.
બજારમાં એવો ભય વ્યાપ્ત છે કે અમેરિકન અર્થતંત્ર ઠંડુ પડી રહ્યું છે, જે માંગમાં ભંગાણ સર્જશે. આમ છતાં, આપણે સમજી લઈએ કે ભાવ ૯૦ ડોલરની ઉપર કેમ જતાં રહ્યા? સાઉદી અરેબિયાની મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૧૨૦ લાખ બેરલ પ્રતિદિન હોવા છતાં ડિસેમ્બર અંત સુધી તે ૨૫ ટકા ઓછું, પ્રતિ દિન ૯૦ લાખ બેરલ જ ઉત્પાદન કરવાનું જારી રાખશે. જે ભાવને તેજીના પથ પર ચાલવાની પ્રેરણા આપશે. સામે પક્ષે જાગતિક માંગ તંદુરસ્ત રીતે વધીને ૨૨ લાખ બેરલ પ્રતિદિન જાળવી રાખશે, જે અગાઉ ૨૦૨૪ માટેની માંગ ધારણાને સમકક્ષ હશે.
ઓપેક પ્લસ દેશોનું ઉત્પાદન દૈનિક ૨૦ લાખ બેરલ ઘટ્યું છે, પણ સામે છેડે ઈરાનીયન ઉત્પાદન ફ્લો જળવાઈ રહેતા સર્વાંગી ખાધ અત્યારે જણાતી નથી. અમેરિકાએ પણ ઈરાન પરના વેપાર નિયાયંત્રણો બાબતે આંખ આડાકાન કરવાની નીતિ અપનાવી છે. તાજેતરના ઓપેક ઉત્પાદન કાપને લીધે, ૨૦૨૩ના ચોથા ત્રિમાસિકમાં વૈશ્વિક પુરાંત દૈનિક ૨ લાખ બેરલ ઘટવાની સંભાવના છે. જોકે ઓપેક દેશો ફરીથી આશ્ચર્યજનક રીતે વધુ ઉત્પાદન કાપ અમલમાં મૂકશે તો, તે બજાર માટે હકારાત્મક પ્રક્રિયા હશે અને ભાવ ૧૦૦ ડોલરને પાર કરી જાય તો પણ નવાઈ નહીં.
તો પછી એવું કેમ લાગે છે કે ભાવ ૧૦૦ ડોલર આસપાસ ટકી રહેવા મુશ્કેલ છે? સપ્ટેમ્બર માટે આગાહી એવી છે કે અમેરિકન ઉત્પાદન દૈનિક ૧૩૦ લાખ બેરલને આંબી જશે, જે નવેમ્બર ૨૦૧૯ની સમકક્ષ હશે. એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન (ઈઆઈએ) માને છે કે અમેરિકામાં ૨૦૨૩-૨૪માં વિક્રમ ક્રૂડ ઓઇલ ઉત્પાદન થશે, જે નોન-ઓપેક પ્લસ દેશોની ઉત્પાદન વૃધ્ધિને વટાવી જશે. અલબત્ત, છેલ્લા દોઢ વર્ષથી અમેરિકામાં ઓછામાં ઓછી ઓઇલ ડ્રિલિંગ રીગથી ઉત્પાદન કરે છે.
અમેરિકામાં આગામી વર્ષે પ્રેસિડેન્સિયલ ચૂંટણી છે, ત્યારે બઈડેન સરકાર પેટ્રોલ પંપ પર ભાવ નિયંત્રત રાખવા અને ફુગાવો કાબુમાં રાખવા પ્રયત્નશીલ છે, વિરોધપક્ષ રિપબ્લિકન આમ પણ પેટ્રોલના વધેલા સામે હુમલા કરી રહ્યો છે. જો ભાવ ઊંચા રહે તો સાઉદી અરેબિયાનું બજેટ સમતોલ રહી શકે તેમ છે, રશિયા અત્યારે તેની યુદ્ધ મશીનરીને વધુ ફંડ ફાળવી રહ્યું છે, જો ભાવ ત્રણ આંકડે પહોંચશે તો અમેરિકન શેલ કંપનીઓ તેમનો વધુ પુરવઠો બજારમાં ઠાલવશે. આથી જો ભાવ વધુ પડતાં ઊંચા રહેશે તો ક્લીન એનર્જીમાં મૂડીરોકાણ વધશે.
બીજા ત્રિમાસિકમાં અમેરિકન ઉત્પાદકોએ શું કહ્યું હતું, તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. કોઈ પાસે નકારાત્મક કહેવાનું નથી. ઈએઆઈ એ આ મહિને અમેરિકન ઉત્પાદન વધવાના અંદાજો મૂક્યા છે. વર્તમાન અને આવતા વર્ષે વિક્રમ ક્રૂડ ઓઇલ ઉત્પાદનની આગાહી કરી છે. ઓગસ્ટના ટૂંકાગાળાની આગાહીમાં કહ્યું હતું કે ૨૦૨૩માં સરેરાશ દૈનિક અમેરિકન ઉત્પાદન ૧૨૭.૮ લાખ બેરલ અને ૨૦૨૪ માં ૧૩૧.૬ લાખ બેરલ આવશે.
