નેચરલ ગેસના ભાવ ૨૯ જાન્યુઆરી પછીની નવી ઊંચી સપાટીએ ગુરુવારે ૩.૦૬ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ મુકાયા હતા. ગત સપ્તાહે ટેક્સાસમાં ગરમીનો આખરી આભાસ જોવા મળ્યો હતો, જેણે ભાવને થોડો ટેકો પૂરો પાડ્યો હતો. ટ્રેડરો કહે છે કે, પરંપરાગત રીતે સટ્ટોડિયા રોકાણકારો કડક મધ્ય શિયાળુ સિઝનમાં સંગઠિત રીતે નેચરલ ગેસ બજારમાં દાખલ થતાં હોય છે, પણ આ વર્ષે આવા રોકાણકારો બજારમાં વહેલા દાખલ થઈ ગયા છે. તેમને એવું લાગે છે કે હાલમાં પુરવઠો સામાન્ય કરતાં છ ટકા ઊંચો હોવાથી વર્તમાન ભાવ વધુ નફો આપે તેવા, ડિસ્કાઉન્ટેડ અને આકર્ષક છે.
કેટલાંક એનાલિસ્ટો એવી આગાહી કરી રહ્યા છે કે વધુ ગેસ વાપરતા અમેરિકા અને યૂરોપમાં આ વખતે શિયાળો બહુ કડક નહીં પણ સામાન્ય હશે. ૨૦૨૨-૨૩માં હળવા શિયાળાને લીધે હીટિંગ (ઘર ગરમ કરવા) માંગ ઓછી રહેવાને લીધે પુરાંત સ્ટોક વધુ રહેશે. કૂલ સ્ટોક વધુ રહેતા ભાવમાં સારી એવી કાપણી થઈ હતી. આખા યૂરોપમાં ગેસ સ્ટોરેજ ટેન્કો, પાંચ વર્ષની સરેરાશ અને ગતવર્ષના ૮૮ ટકા સામે ૧ ઓક્ટોબરે ૯૬ ટકા ફૂલ રહ્યા હતા. જ્યારે અમેરિકન નેચરલ ગેસ ઇંવેટરીઝ ૨૨ સપ્ટેમ્બરે પાંચ વર્ષની સરેરાશ કરતાં ૬ ટકા વધુ હતી.
બાકાર હ્યુજીસે તેના ગત સપ્તાહના અહેવાલમાં કહ્યું હતું કે ૨૦ સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં નેચરલ ગેસ રીગ (ગેસ કૂવા)ની સંખ્યા બે ઘટીને ૧૧૬ રીગ રહી હતી, જે ૮ સપ્ટેમ્બરની રીગ કાઉન્ટ ગણતરી ૧૧૩ હતી, જે ૧૯ મહિનાની નીચલી સપાટીએ હતી. સપ્ટેમ્બર ૨૦૨૨માં સક્રિય રીગ સંખ્યા ૪ વર્ષની ઊંચાઈએ ૧૬૬ રીગ હતી. બાકર હ્યુજીસે ૧૯૮૭માં રીગ સંખ્યાની ગણતરી શરૂ કરી ત્યાર પછી જુલાઇ ૨૦૨૦માં સક્રિય કૂવાની સંખ્યા ૬૮ રીગના તળિયે બેસી ગઈ હતી, તેના કરતાં અત્યારે બમણી છે.
ગ્રીન એનર્જી ટ્રાન્સફોર્મેશનના પ્રયાસો વધી રહ્યા હોવાથી અને આ ક્ષેત્રે મૂડીરોકાણ વધી રહ્યું છે, તેથી સ્વાભાવિક છે કે નેચરલ ગેસની માંગ વધે. આગામી દાયકાઓમાં ગ્રીન એનર્જી મિશ્રણમાં નેચરલ ગેસનું પ્રમાણ વધવાથી માંગ સતત વધતી રહેશે. આથી નેચરલ ગેસ ઇન્સફરાસ્ટ્રક્ચર ક્ષેત્રે આવશ્યક મૂડીરોકાણ વધતું રહેશે. ૨૦૩૦ સુધીમાં પુરવઠા અછત ન સર્જાય તે માટે લગભગ ૪.૯ ટ્રિલિયન ડોલરનું મૂડીરોકાણ આવશ્યક રહેશે.
કોલસાની તુલનાએ નેચરલ ગેસ પચાસ ટકા ઓછો કાર્બન ડાયોકસાઇડ હવામાં પ્રસરાવે છે. આથીજ આખા જગતમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘટાડવા નેચરલ ગેસને મહત્વની ઊર્જા ગણવામાં આવે છે. ઇન્ટરનેશનલ એનર્જી ઇન્ફોર્મેશન (આઈઇએ)ના અહેવાલ મુજબ ૨૦૨૨માં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ છેડાયું ત્યાર બાદ જાગતિક એલએનજી (લિકવીફાઇડ નેચરલ ગેસ)નો વેપાર ૪૫૦ અબજ ડોલરની વિક્રમ ઊંચાઈએ પહોંચ્યો હતો.
ભારતીય પેટ્રોનેટ એલએનજીના ચીફ એક્ઝિક્યુટિવ અને મેનેજિંગ ડિરેક્ટર અક્ષય કુમાર સિંહ કહે છે કે આપણે જાણીએ છીએ કે નેચરલ ગેસ મર્યાદિત પ્રમાણમાં હવામાનને બગાડે છે, આથી અમારી ધારણા છે કે નેચરલ ગેસનો ઉપયોગ ૧૦ કે ૧૫ વર્ષને બદલે ચારથી પાંચ દાયકાઓ સુધી જળવાઈ રહેશે. તેમણે કહ્યું કે, ભારતમાં વસતિ વધારો થઈ રહ્યો છે અને આર્થિક વિકાસ પણ સારો હોવાથી નેચરલ ગેસનો વપરાશ વધતો જ રહેવાનો. ભારતની એનર્જી આયાત બાસ્કેટમાં ૨૦૩૦ સુધીમાં નેચરલ ગેસની આયાત ૬થી ૧૫ ટકાનો વધારો સંભવિત છે. એશિયન વિસ્તારમાં ભારત એ ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જે ૨૦૭૦માં હવામાનમાં કાર્બન એમિશન શૂન્ય કરવાનો લક્ષ્યાંક ધરાવતો હોઇ, ઓછું કાર્બન એમિશન ઓકતા નેચરલ ગેસનો ઉપયોગ વધારવા તરફ અગ્રેસર રહેશે.
(અસ્વીકાર સુચના: commoditydna દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
