આર્ટિકલ 370 હટાવ્યા બાદ મળી ચૂંટણી પંચની પહેલી બેઠક

admin
2 Min Read

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ રાજ્યના નવા સીમાંકન મામલે ચૂંટણી પંચની પહેલી બેઠક મળી છે. આ બેઠકમાં જમ્મુ કાશ્મીરના જિલ્લાની હદ અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બર માસમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે. જેના માટે ચૂંટણી પંચ તડામાર તૈયારી કરી રહ્યુ છે.  ચૂંટણી પંચ આ અંગે માત્ર સરકારની સત્તાવાર સૂચના મળવાની રાહ જોઇ રહ્યું છે. ચૂંટણી પંચ મુજબ સીમાંકનની પ્રક્રિયામાં ઓછામાં ઓછા છ મહિનાનો સમય લાગી શકે છે.  હાલના સંવેદનશીલ મુદ્દા માટે સીમાંકનની પ્રક્રિયા મુશ્કેલીભરી છે અને આ બેઠકમાં ચૂંટણી પંચના ચીફ સુનીલ અરોડા અને તેમના અધિકારીઓને દરેક મુદ્દાની માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને 2000-01માં ઉત્તરાખંડમાં થયેલી સીમાકંનની પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ એક વર્ષનો સમય લાગ્યો હતો. 

ચૂંટણી પંચના પૂર્વ સલાહકારન એસ કે મહેંદીરત્તા મુજબ આ પ્રક્રિયામાં 6 મહિનાનો સમય લાગશે. રાજ્યના નવા કાયદા મુજબ વિધાનસભાની બેઠકોની સંખ્યા વધારીને 107થી 114 નક્કી કરવામાં આવી છે. સાત બેઠકો વધારવામાં આવી છે. જેમાંથી 24 બેઠકો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં છે, આથી ચૂંટણી માત્ર 90 સીટો પર થશે જે અત્યાર સુધી 83 બેઠકો પર યોજાતી હતી.  ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ પોતાની કામગીરી ત્યારે જ શરુ કરશે જ્યારે સરકાર દ્વારા તેમને સત્તાવાર સૂચના આપવામાં આવે. જમ્મુ-કાશ્મીરના સીમાંકનમાં બેઠકો નક્કી કરવા માટેનો મુખ્ય માપદંડ વસ્તી અને પછીથી જીલ્લા મુજબ વસ્તીને આધારે થશે.  જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત રાજ્યોમાં વહેંચ્યા પછી જમ્મુ-કાશ્મીર એવુ કેન્દ્ર શાસિત રાજ્ય બનશે જેમાં વિધાનસભા પણ કામ કરશે, એટલે કે ત્યાં રાજ્ય સરકાર અને મંત્રીમંડળ પણ કામ કરશે. જ્યારે લદ્દાખ માત્ર કેન્દ્ર શાસિત રાજ્ય રહેશે. બંને રાજ્યોમાં રાજ્યપાલ નહી હોય ત્યાં માત્ર ઉપરાજ્યપાલ રહેશે.

Share This Article