CM વિજય રૂપાણી વિદેશ પ્રવાસે

admin
2 Min Read

સામાન્ય રીતે કોઈ પરંપરા અથવા પ્રણાલી-પ્રોટોકોલ નથી કે સત્તાવાર રીતે સરકારી પ્રવાસે જતા વડાપ્રધાન કે મુખ્યમંત્રીથી લઇ કોઈ પ્રમુખોએ પણ તેમનો ચાર્જ સોંપવો પડે..પરંતુ ગુજરાતમાં નવી સરકાર રચાઈ ત્યારથી સીએમ અને ડેપ્યુટી સીએમ વચ્ચે ખાતા માટે સર્જાયેલી નારાજગીમાં હવે અંતર વધી ગયું હોવાનું સૌને લાગી રહ્યું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી નવી સરકારની રચના બાદ સૌ પ્રથમવાર આજે ઈઝરાયેલના પ્રવાસે રવાના થતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સીએમનો ચાર્જ આપ્યો નથી. જયારે પ્રોટોકોલ જાળવીને મુખ્યમંત્રીને શુભકામના આપવા માટે મંત્રીમંડળના મોટાભાગના સભ્યો ગયા હતા. પરંતુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવજો કહેવા પણ ના જતા આ બાબત આજે સચિવાલય અને રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બની છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી ૬ દિવસ માટે દિલ્હી થઇ વિદેશ પ્રવાસ જવા રવાના થયા હતા. ત્યારે તેમણે મુખ્યમંત્રીનો ચાર્જ નીતિન પટેલને સોપવાને બદલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને નીતિન પટેલને પોતાના ખાતાઓનો ચાર્જ આપી રવાના થઈ ગયા હતા. જ્યારે નીતિન પટેલ કમલમમાં ભાજપની બેઠકમાં હાજર રહી સૌપ્રથમવાર વિદેશ પ્રવાસે જઈ રહેલા મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવવાનું સૌજન્ય પણ ચૂક્યા હતા. આ રાજકીય અંતરનો વિષય આજે સચિવાલય અને રાજકીય કાર્યકરોમાં ચર્ચા વિષય બન્યો છે. જયારે મુખ્યમંત્રીને અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ સૌરભ પટેલ, જયેશ રાદડિયા, ઈશ્વર પરમાર, પ્રદીપસિંહ જાડેજા, પરબત પટેલ, ઈશ્વરસિંહ પટેલ, વિભાવરી બહેન દવે તેમજ દંડક પંકજ દેસાઈ શુભેચ્છાભરી વિદાય આપવામાં આવી હતી.

Share This Article