સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત પર હાલ સંભવિત મહા વાવાઝોડાની અસર વર્તાય તે પહેલા તંત્ર એલર્ટ થઈ ગયું છે. ત્યારે સૌથી વિશાળ સ્મીમેર હોસ્પિટલનું તંત્ર પણ મહા વાવાઝોડા સામે એલર્ટ થયું છે. ગુજરાત રાજ્યના દરિયાઇ વિસ્તારો પર હાલ મહા વાવાઝોડું તોફાન મચાવે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાઇ છે. સુરત તથા સમગ્ર દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં મહાની વ્યાપક અસર વર્તાય તેવી સંભાવનાઓ હાલ વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે સુરત શહેરમાં 6 તારીખની મધરાતથી ૬૫ થી ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી હવામાન વિભાગની આગાહી છે. ત્યારે સુરત જિલ્લા કલેકટર તંત્ર સાબદુ થઇ ગયું છે. તેની સાથે જ આજે સ્મીમેર હોસ્પિટલમાં પણ આ અંગે એક મિટિંગ મળી હતી. જેમાં તમામ વિભાગના એચઓડી હાજર રહ્યા હતા. વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને સ્મીમેર હોસ્પિટલ સર્જરી, ઓર્થો, મેડિસિન, ઈમરજન્સી મેડિસિન, પેરામેડિકલ સ્ટાફ સહિતના ડોક્ટર અને કર્મચારીઓ કોઈપણ પ્રકારની ઇમર્જન્સી થાય તાકીદે હાજર રહેવા સુચના આપવામાં આવી છે. હોસ્પિટલમાં વધારાના 20 બેડ, વેન્ટિલેટર, ઈ.સી.જી મશીન સહિતની વ્યવસ્થા રાખવામાં આવી છે જો કે દવાનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં છે.