સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં હરિયાલ ખાતે આવેલ જી.આઈ.ડી.સીમાં પુઠા બનાવતી ફેક્ટરીમાં રાત્રિના સમયે અચાનક આગ લાગી હતી. આ આગે જોત જોતામાં વિરાટ સ્વરૂપ ધારણ કરતાં દોડધામ મચી ગઈ હતી. આ આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જોકે ફાયર બ્રિગેડની ટીમ આવે ત્યાં સુધીમાં તો આગ સમગ્ર ફેક્ટરીમાં પ્રસરી જતાં તમામ સમાન બળીને ખાખ થઈ જતાં કરોડોનું નુકશાન થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના માંડવી તાલુકાના હરિયાલ જીઆઈડીસીમાં આવેલ પૂઠા બનાવતી બી.ઓ.બી નામની કંપનીમાં સોમવારની રાત્રે ભીષણ આગ લાગી હતી. આ આગે જોત જોતામાં વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ મીલમાં ૮૦ જેટલા કામદારો કામ કરે છે. જોકે આગની ઘટના બનતા તરત જ તમામ કામદારોને ફેક્ટરીની બહાર સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા. કંપનીમાં કાગળ અને દોરાથી પૂઠા બનાવવામાં આવે છે. જોકે જે મશીનમાં પૂઠા બનાવવામાં આવે છે ત્યાં ઓઈલનો ઉપયોગ કરવામાં આવે છે આગને કારણે ઓઈલમાં બ્લાસ્ટ થતા આગ વધુ પ્રસરી હતી. જોકે કંપની માલિક દ્વારા ફાયર વિભાગ પર ભારે રોષ ઠાલવવામાં આવ્યો હતો. ફાયર વિભાગને જાણ કર્યાના દોઢ કલાક બાદ ફાયરની ટીમ ઘટના સ્થળે આવી હતી જોકે ફાયર વિભગ ઘટના સ્થળે પહોચ્યું ત્યાં સુધી આગ સમગ્ર મિલમાં પ્રસરી ચુકી હતી આગને લઇ માલિકને ૧૦ કરોડથી વધુ નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે મોડે મોડે પણ સુરત, માંડવી, બારડોલી, સહિત ૬ જેટલી ફાયરની ટીમોએ આખી રાતની જેહમત બાદ વહેલી સવારે આગ પર કાબુ મેળવ્યો હતો.
