આણંદમાં દારૂ ભરેલી કાર પલટી

admin
1 Min Read

આણંદ નજીક વઘાસી ગામના ઓવરબ્રીજ પાસે રાત્રીના સુમારે વિદેશી દારૂ ભરેલી કાર પલટી મારી જતાં તેમાંથી દારૂ ભરેલી કાચની બોટલો તૂટી જતાં રોડ ઉપર દારૂ જ દારૂ થઈ જવા પામ્યો હતો. જો કે ચાલક ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. આ અંગે પોલીસે પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મળતી વિગતો અનુસાર વડોદરાથી આણંદ તરફ આવી રહેલી હોન્ડા અમેઝ કાર નંબર જીજે-૦૬, એફક્યુ-૨૧૯૩ની ડીવાઈડર પર ચઢીને પલટી મારી ગઈ હતી જેને કારણે કારમાં લવાયેલી વિદેશી દારૂની કાચની બોટલો તૂટી જતાં રોડ ઉપર દારૂ જ દારૂ થઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ આણંદ રૂરલ પોલીસને કરવામાં આવતાં પોલીસની ટીમ તુરંત જ ઘટનાસ્થળે  પહોંચી ગઈ હતી અને તપાસ કરતા કારની અંદરથી વિદેશી દારૂ ભરેલી બે બોટલો આખી મળી આવી હતી. કાર પલટી મારી જતાં જ તેના કાચ તૂટી જવા પામ્યા હતા અને બોનેટ સહિતના ભાગોને પણ વ્યાપક નુકસાન થવા પામ્યું હતુ. કારનો ચાલક પકડાઈ જવાની બીકે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

Share This Article