જી-20 કોન્ફરન્સમાં ભારત સાથે જોવા મળેલા તુર્કીએ ફરી એકવાર પોતાનો જુનો રંગ બતાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78મા સત્ર દરમિયાન રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને કહ્યું કે દક્ષિણ એશિયામાં સ્થિરતા અને વિકાસ માટે કાશ્મીરમાં ન્યાયી શાંતિ સ્થાપિત કરવી જરૂરી છે. તમને જણાવી દઈએ કે તુર્કી ભૂતકાળમાં પણ પાકિસ્તાન સાથે લગાવ બતાવતું આવ્યું છે અને દરેક વખતે ભારત તરફથી એવો જવાબ આપવામાં આવ્યો છે કે તેને ભારતના આંતરિક મામલામાં બોલવાની જરૂર નથી.
એર્દોગને કહ્યું કે, કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવા માટે જે પણ પગલાં લેવામાં આવશે અમે તેનું સમર્થન કરીશું. કાશ્મીર પર બોલ્યા બાદ એર્દોગને એમ પણ કહ્યું કે જો ભારતને UNSCમાં કાયમી સભ્યપદ આપવા પર વિચાર કરવામાં આવે તો તેઓ સમર્થન કરશે. તેમણે કહ્યું કે UNSCમાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને તે ગર્વની વાત છે. એર્દોગને કહ્યું કે દુનિયા પાંચ દેશોથી મોટી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી યુએનએસસીમાં માત્ર પાંચ જ સ્થાયી સભ્યો છે અને તે અમેરિકા, યુકે, રશિયા, ફ્રાન્સ અને ચીન છે.