રાજ્યમાં તમામ શાળાઓ એપ્રિલ સુધીમાં ધમધમશે, ઉનાળુ વેકેશન પણ ઘટાડાય તેવી સંભાવના

admin
2 Min Read

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કોરોનાનું સંક્રમણ ઘટતા ધોરણ 10 અને 12ની શાળાઓ ધમધમતી કરી દેવાયા બાદ હવે આગામી ફેબ્રુઆરીમાં ધોરણ 9 અને 11ની શાળાઓ શરુ કરવાની વિચારણા ચાલી રહી છે. ત્યારબાદ માર્ચમાં ધોરણ-6થી 8 અને એપ્રિલમાં ધોરણ-1થી 5ની શાળાઓ શરુ કરવા માટે એકેડેમીક કેલેન્ડર તૈયાર કરવા તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં એપ્રિલ માસ સુધીમાં ધોરણ-1થી 12 સુધીનું ઓનલાઈન શિક્ષણ શરુ કરી જૂનમાં પરીક્ષા લેવાની વિચારણા શરુ કરવામાં આવી છે. તેમજ ઉનાળુ વેકેશન ઘટાડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાના ઘટતા જતા કેસ બાદ ગત 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં કોઈ મોટું વિઘ્ન ના આવતા અને અત્યારસુધીમાં કોવિડની ગાઈડલાઈન્સ મુજબ, શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે, એને ધ્યાનમાં રાખીને હવે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે સંકલન રાખીને તબક્કાવાર સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવે એવી શક્યતા છે.

ફેબ્રુઆરી મહિનાના આરંભથી ધોરણ 9 અને 11 માટે શાળાઓ શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. જોકે હાલ સરકાર ધોરણ 10-12ના વર્ગખંડો શરૂ કર્યા બાદ જે શહેર કે ગામમાં કોવિડ-19ના કેસોનું પ્રમાણ ઊંચું રહે છે ત્યાં વિદ્યાર્થી અને શિક્ષકોમાં ચેપનો ફેલાવો થયો છે કે કેમ? એની સમીક્ષા સાથેનો રિપોર્ટ જે-તે જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી મંગાવી રહી છે, જેના આધારે 25 જાન્યુઆરીને સોમવાર અથવા તો 1લી ફ્રેબુઆરી ને સોમવારથી 9 અને 11 માટે સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

Share This Article