અફઘાનિસ્તાન દૂતાવાસે શુક્રવારે કહ્યું કે તેણે ભારત સરકાર તરફથી સતત પડકારોને કારણે નવી દિલ્હીમાં તેના દૂતાવાસને કાયમી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી છે. ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુંદજે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે 23 નવેમ્બર 2023 થી ભારતમાં ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાનના દૂતાવાસને કાયમી ધોરણે બંધ કરવાની જાહેરાત કરવા બદલ દિલગીર છીએ.”
બે મહિના કરતા પણ ઓછા સમય પહેલા, નવી દિલ્હીમાં અફઘાનિસ્તાન દૂતાવાસે કહ્યું હતું કે તે ભારત સરકારના સમર્થનના અભાવ અને સંસાધનોના અભાવને કારણે દૂતાવાસની કામગીરી બંધ કરી રહી છે.
અફઘાનિસ્તાન એમ્બેસીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તાલિબાન અને ભારત સરકાર બંને તરફથી નિયંત્રણ છોડવા માટે સતત દબાણને કારણે તેને મુશ્કેલ પસંદગીનો સામનો કરવો પડ્યો હતો.
નિવેદન અનુસાર અફઘાન ગણરાજ્યના રાજદ્વારીઓએ આ મિશનને સંપૂર્ણપણે ભારત સરકારને સોંપી દીધું છે. હવે આ મિશનનું ભાવિ નક્કી કરવાનું ભારત સરકાર પર નિર્ભર છે. ભલે તેને બંધ રાખવામાં આવે કે તાલિબાનને સોંપવામાં આવે. ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાન દ્વારા નિયુક્ત રાજદ્વારીઓની ફરજો સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગઈ છે.
દૂતાવાસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “કાબુલની સૂચનાઓ અને ભંડોળ પર કામ કરતા કેટલાક કોન્સ્યુલ્સ કોઈપણ કાયદેસર અથવા ચૂંટાયેલી સરકારના ઉદ્દેશ્યો સાથે સુસંગત નથી.”
અફઘાન દૂતાવાસે કહ્યું કે તેણે આ નિષ્કર્ષ પર પહોંચવા માટે ઐતિહાસિક ઘટનાઓ અને વર્તમાન સંજોગોનો કાળજીપૂર્વક વિચાર કર્યો છે. છેલ્લા 22 વર્ષમાં અફઘાનિસ્તાનને આપેલા સમર્થન અને સહાય માટે ભારતના લોકોનો આભાર વ્યક્ત કર્યો.