અમરેલી નગરપાલીકા દ્વારા ડો. જીવરાજ મહેતા ચોકમાં ફાળવવામાં આવેલ જગ્યામાં જીલ્લા પોલીસ દ્વારા નિર્મિત કરાયેલ શહીદ સ્મારકનું શહેરના નાગરીકોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, સાંસદ નારણભાઇ કાછડીયા, બોટાદના એસ.પી. હર્ષદભાઇ મહેતા, એ.એસ.પી. પ્રેમસુખ ડેલુ સહિત જીલ્લાના પોલીસ અધિકારીઓ, સાંસદ નારણભાઇ કાછડીયા, જીલ્લા કલેકટર આયુષકુમાર ઓક, વન વિસ્તરણના ડિ.એફ.ઓ. પ્રિયંકા ગેહલોત,ધારાસભ્યો પ્રતાપભાઇ દુધાત, જે.વી. કાકડીયા, શરદભાઇ ધાનાણી, કૌશિકભાઇ વેકરીયા, પી.પી. સોજીત્રા, હિરેનભાઇ હીરપરા, ડો. ભરતભાઇ કાનાબાર, અલ્કાબેન ગોંડલીયા, સ્વાતંત્ર્ય સેનાની બેચરભાઇ પોકળ, ઉમંગભાઇ છાંટબાર, તેમજ હિન્દુ મુસ્લીમ સમાજના આગેવાનો અને નગરજનો બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા. પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે મંચસ્થ મહાનુભાવો પોલીસ અધિકારીઓ, પદાધિકારીઓ, સાંસદ સહિતે શહીદોને સલામી આપી હતી. આ અંગેની વિગતો મુજબ અમરેલીમાં કેન્દ્ર સરકારની યોજના મુજબ જીલ્લા પોલીસ દ્વારા ડો. જીવરાજ મહેતા ચોકમાં શહીદ સ્મારકનું નિર્માણ કરવામાં આવેલ. આ સમારંભને અનુલક્ષીને બે કલાક માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવેલ.

અમરેલીના એ.એસ.પી. પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે દેશભક્તિના ગીતો વગાડી શહીદોને ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતુ. ર બાદ અધિકારી, પદાધિકારીઓ, સ્વાતંત્ર્ય સેનાની અને આગેવાનો દ્વારા શહીદોને સલામી આપી હતી. ત્યાર બાદ આઇ.જી. અશોકકુમાર યાદવે જણાવેલ કે અમરેલી જીલ્લા પોલીસના પંકજભાઇ અમરેલીયા સહિતના પોલીસ કર્મીઓ તેમજ અન્ય વ્યકિતઓ જેઓ શહીદ થયેલ છે. તેમના માટેનું આ સ્મારક છે. જેથી તેમને સાચી શ્રધ્ધાંજલી પાઠવી હતી. એસ.પી. નીર્લીપ્ત રાયે જણાવેલ કે આ શહીદ સ્મારકનું માન સન્માન જળવાય તેની જવાબદારી અમરેલીની આમ જનતાની છે. અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાએ જણાવેલ કે કેન્દ્ર સરકારની યોજના મુજબ અમરેલીના આંગણે શહીદ સ્મારકનું નિર્માણ કરવામાં આવેલ છે. તે ગૌરવની બાબત છે. વધુમાં તેમણે જણાવેલ કે સ્વચ્છતા અભિયાનમાં લોકો પોતાના આંગણાથી શેરી સુધી પોતે જ શરૂઆત કરી શકે. તેમજ જળ હશે તો જીવન હશે જે માટે પાણીની અગત્યતા સમજાવી હતી. આ પ્રસંગે શહીદોના પરિવારજનોનું શાલ અને સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવેલ. તેમજ ઉપસ્થિત સ્વાતંત્ર્ય સેનાનીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ. અમરેલીના ઇર્ન્ચાજ સીટી પીઆઇ શ્રી મહેશ મોરી સહિતની પોલીસ ટીમે ઝડપી અને સુંદર આયોજન કર્યુ હતુ.
