હીરા ઉદ્યોગ ખોલવા માટે નવી ગાઈડલાઈન જાહેર

admin
1 Min Read

લાખો રત્નકલાકારોને રોજી આપતા હીરા ઉધોગની માઠી બેઠી છે. લોકડાઉનમાં વતન આવેલા લાખો કારીગરો અનલોક જાહેર થતા બજાર ફરી શરૂ થશે તેવી આશાએ સુરત આવી ગયા હતા પરંતુ સુરતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને કેટલાક કારખાનેદારોએ કારીગરોને પગાર ન આપતા આર્થિક બેકારીની ગર્તામાં ધકેલાઈ ગયેલા રત્નકલાકારોએ હવે ફરી ઉચાળા ભરીને સૌરાષ્ટ્રની વાટ પકડી છે.

તો બીજીબાજુ સુરતમાં હીરા બજાર ફરી એકવાર ધમધમતા થઈ રહ્યા છે. આ માટે નવી ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. જે મુજબ ટ્રેડિંગ માટે આવતા લોકોનું રજિસ્ટર બનાવવામાં આવશે. આ ઉપરાંત ઉદ્યોગોમાં વેન્ટીલેશન ખુલ્લુ રાખવામાં આવે તેવી પણ કડક સૂચના આપવામાં આવી છે. તેમજ કંપનીમાં દરેક કર્મચારીએ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાનું રહેશે.

તેમજ દરેક ઓફિસના કર્મચારીને આઈકાર્ડ આપવામાં આવે તેવી પણ ગાઈડલાઈનમાં સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સૂચનામાં જણાવાયું છે કે ઓફિસ બપોરે 2થી 6 સુધી ચાલુ રાખી શકાશે. તેમજ જો કંપનીમાં 10થી વધુ સંક્રમિત મળશે તો બજાર બંધ કરવામાં આવશે.સાથે જ એ પણ જણાવાયુ છે કે જે પણ આ ગાઈડલાઈનનું પાલન નહીં કરે તો તેની સામે દંડનાત્મક અને શિક્ષાત્મક પગલા લેવામાં આવશે. મહત્વનું છે કે સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. જેને લઈ તંત્ર પણ હરકતમાં આવ્યુ છે.

Share This Article