અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્નના 6 વર્ષ પૂર્ણ થયા છે. 11મી ડિસેમ્બરે તેમના લગ્નની વર્ષગાંઠ હતી. આ અવસર પર બધા રાહ જોઈ રહ્યા હતા કે બંને કંઈક ખાસ પોસ્ટ કરશે, પરંતુ એવું થયું નહીં. બંનેમાંથી કોઈએ કંઈપણ પોસ્ટ કર્યું ન હતું. જો કે હવે મંગળવારે અનુષ્કાએ વિરાટ સાથેનો ફોટો શેર કરીને એક ખાસ પોસ્ટ કરી છે. આ સાથે અભિનેત્રીએ જણાવ્યું કે તેણે મોડું કેમ પોસ્ટ કર્યું.
અનુષ્કાએ શેર કરેલા ફોટામાં બંનેએ બ્લેક કલરના આઉટફિટ પહેર્યા છે જેમાં વિરાટે બ્લેક શર્ટ અને અનુષ્કાએ બ્લેક ડ્રેસ પહેર્યો છે. ફોટો શેર કરતા અનુષ્કાએ લખ્યું, ‘પ્રેમ, મિત્રો અને પરિવારથી ભરેલો દિવસ. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવા માટે મોડું. પ્રેમ સાથે 6 વર્ષ થયા.
ચાહકોની પ્રતિક્રિયા
આ ફોટો પર ચાહકોએ બંને પર પ્રેમ વરસાવ્યો છે. કોઈ કોમેન્ટ કરી રહ્યું છે કે બંને બેસ્ટ કપલ છે. કોઈએ લખ્યું કે તમે કપલ ગોલ છો. તો કોઈએ કોમેન્ટ કરી કે આ તો હું રાહ જોઈ રહ્યો હતો, હવે પોસ્ટ જોઈને દિવસ આવી ગયો.
અનુષ્કાનો બેસ્ટ ફ્રેન્ડ વિરાટ
તમને જણાવી દઈએ કે અનુષ્કા અને વિરાટે વર્ષ 2017માં ઈટાલીમાં લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. એક ઈન્ટરવ્યુમાં અનુષ્કાએ વિરાટ સાથેના લગ્નજીવન પર કહ્યું હતું કે તેણે તેના બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે અને તેનો બેસ્ટ ફ્રેન્ડ સૌથી સારો વ્યક્તિ છે. લગ્નના થોડા વર્ષો પછી એટલે કે 2021માં બંને દીકરી વામિકાના માતા-પિતા બન્યા.
છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર આવી રહ્યા છે કે અનુષ્કા ગર્ભવતી છે અને બંને જલ્દી જ બીજા બાળકના માતા-પિતા બનવાના છે. જો કે હજુ સુધી બંનેમાંથી કોઈએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.