ભરૂચ : ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે રેતી માફિયાઓ બેફામ, સીઆરઝેડ વિસ્તારમાંથી ગેરકાયદે રેતી ખોદકામ ઝડપાયું…

admin
2 Min Read

છેલ્લા કેટલાક માસથી ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામની નર્મદા કિનારાના કોસ્ટલ રિઝર્વ ઝોન માંથી કેટલાક ઇસમો દ્વારા કોઈપણ પ્રકારની લીઝ પરવાનગી ભૂસ્તર વિભાગ માંથી તથા કોસ્ટલ રિઝર્વ ઝોન વિભાગમાંથી મેળવ્યા વગર રેતી ખનન ખૂબ મોટાપાયે કરવામાં આવી રહ્યું છે. આ બાબતે ગોવાલી ગ્રામ પંચાયત દ્વારા ઝઘડીયા મામલતદારને જરૂરી જમીન માલીકના નામ સાથે માહીતી આપી કોસ્ટલ રિઝર્વ ઝોન માંથી રેતીખનન બાબતે તપાસ કરવા જણાવ્યું હતું. ઝઘડિયા નાયબ કલેકટર પ્રણવ વિઠાણી તથા ઝઘડીયા મામલતદાર, જીલ્લા ભૂસ્તર વિભાગની ટીમ અને પોલીસ ખાતાની ટીમ સાથે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગોવાલી ગામના કોસ્ટલ રિઝર્વ ઝોનમાંથી નર્મદા નદીના વહેતા પાણીમાં નાવડી મૂકી એન્જિન તથા હીટાચી મશીન દ્વારા રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિ નાયબ કલેકટરના ધ્યાને આવતા તેમણે રેતી ખનનમાં વપરાતી નાવડી, એન્જિન, હીટાચી મશીન જપ્ત કરી તેને સીલ કર્યું છે.

આ બાબતે ભરૂચ જિલ્લા ભૂસ્તર વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર ઠાકોરભાઈ દ્વારા ગોવાલી ગામે કોસ્ટલ રિઝર્વ ઝોન માંથી ગોવાલી ગામના દેવાંગ ઈશ્વર પાટણવાડીયા તથા અંકલેશ્વરના રાજુ ભરવાડ નામના ઈસમો ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત નાયબ કલેકટર દ્વારા ઝઘડિયા ભરૂચ હાઈવે પરથી સાત જેટલી રોયલ્ટી ચોરી કરી ઓવરલોડ રેતી વહન કરતી સાત ટ્રકો જપ્ત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નાયબ કલેકટરના ગોવાલી ગામે છાપા મારી દરમિયાન રેતી માફિયાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો…

Share This Article