ભરૂચ : ભારે પવન સાથે વરસાદ ખાબકતા મકાનોના છાપરા ઉડ્યા

admin
1 Min Read

ભરૂચ જિલ્લાના ભરૂચ સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન સાથે વરસાદ ખાબકી પડ્યો હતો. આગામી ૧૮ મી મે ના રોજ સંભવિત તોકતે ચક્રવાત ત્રાટકવાની સંભાવનાઓ વચ્ચે અચાનક રવિવારના રોજ સમી સાંજે ભરૂચ, જંબુસર, વાગરા, અંકલેશ્વર, આમોદ, હાંસોટ, જગડીયા તેમજ પાલેજ સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આખા દિવસની અસહ્ય ગરમી બાદ આકાશમાં કાળા ડીબાંગ વાદળોની ફોજ ચડી આવી હતી અને જોતજોતામાં ભારે પવન સાથે વરસાદ ખાબકી પડ્યો હતો.

ભારે પવનના પગલે વીજ પુરવઠો ખોરવાઇ જતા લોકો પરસેવે રેબઝેબ થયા હતા. તો બીજી તરફ ભારે પવનના પગલે પાલેજ નવીનગરીમાં બે ઇલેક્ટ્રિક પોલ તૂટી ગયા હતા.તેમજ એક ઘરના છાપરા પણ ઉડી ગયા હતા. પાલેજ નગરમાં વીજ પુરવઠો ખોરવાતા પ્રિ મોન્સુન કામગીરીના ધજાગરા ઉડ્યા હતા. વીજ કર્મીઓએ સમારકામ હાથ ધરી વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો. પાલેજ હાઇવે પર પોલીસ મથક સામે એક ગુલમહોરના વૃક્ષની ડાળીઓ તૂટી પડી હતી. સદનસીબે કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. લગભગ અડધો કલાક સુધી ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબકયાના અહેવાલ સાંપડ્યા છે

Share This Article