કોરોનામાં જરુરી ઓક્સિજન સપ્લાયને લઈ કેન્દ્રનો રાજ્યોને આદેશ

admin
1 Min Read

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 52 લાખને પાર કરી ગઈ છે. કોરોના વાયરસ જ્યારે દર્દીના ફેફસા પર હુમલો કરે છે ત્યારે તેને શ્વાસ લેવામાં ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે. એવામાં દર્દીને તાત્કાલિક ઓક્સીજન સપોર્ટની જરુર પડે છે. ઓક્સીજનના સપ્લાયમાં કોઈ મુશ્કેલી ના પડે તેને લઈ કેન્દ્ર દ્વારા નવા આદેશ જાહેર કર્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે કે ઓક્સિજન લઇ જતા વાહનોને કોઇ રોકટોક વગર જવા દેવામાં આવે, કારણ કે કોવિડ-19ના દર્દીઓ માટે ઓક્સિજનની ભૂમિકા મહત્વની છે. દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય સચિવોને મોકલેલા પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે એવી જાણકારી સામે આવી છે કે કેટલાંક રાજ્ય પોતાના રાજ્યમાં આવેલા ઉત્પાદનના એકમોમાં ઓક્સીજન પૂરવઠાને આંતરરાજ્યમાં આવન-જાવનને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય ગૃહ સચિવે કહ્યું કે કેટલાક રાજ્ય પોતાના ક્ષેત્રમાં ઉત્પાદકો અને પૂરવઠાકારોને એમ પણ કહી રહ્યાં છે કે રાજ્યની હોસ્પિટલો સુધી પોતાનો ઓક્સીજન પૂરવઠો સીમિત રાખે. કેન્દ્ર તરફથી જણાવાયું છે કે, આરોગ્ય ઉપયોગમાં લેવામાં આવનાર ઓક્સિજનનો પર્યાપ્ત અને અવિરત પુરવઠો કોવિડ-19ના મધ્યમ અને ગંભીર દર્દીઓના ઇલાજ માટે ઘણો મહત્વપૂર્ણ છે અને કોવિડ-19ની સારવાર લઇ રહેલા દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં લઇને ઓક્સિજનની ઉણપ જોવા મળવાની પણ શક્યતા છે.

Share This Article