બદલાતી વરસાદની પેટર્ન : શું કૃષિ પ્રણાલીમાં ફેરફાર કરવો પડશે?

admin
2 Min Read

હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગની પ્રમાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતના કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસ લોપ્રેશર સર્જાતા કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં હાલ જળવાયુ પરિવર્તનની અસરથી વરસાદની પેટર્ન બદલાઈ રહી છે.

ગ્લોબલ વોર્મિંગથી પર્યાવરણમાં મોટા ફેરફાર આવ્યા છે. વરસાદની બદલાતી પેટર્નને લઈને કૃષિ પ્રણાલીમાં પણ ફેરફાર થઈ શકે છે. પર્યાવરણમાં થઈ રહેલા ફેરફારના કારણે આજે કચ્છ જેવા સૂકા પ્રદેશો પણ જળબંબાકાર નજરે પડે છે.

આ સ્થિતિને જોતા આવનારા દિવસોમાં વરસાદની બદલાતી પેટર્નને લઈને કૃષિ પ્રણાલીમાં ફેરફાર કરવો પડે તો નવાઈ નહીં. મહત્વનું છે કે, સૌરાષ્ટ્ર પંથક સહિત સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે બમણો વરસાદ વરસ્યો છે.

આમ તો વરસાદ વધુ પડે એના ક્યાંક ફાયદા થતાં હોય છે, તો ક્યાંક નુકશાન પણ થતું હોય છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો વર્ષ 1983માં વરસાદે ભારે તારાજી સર્જી હતી. તે સમયે જૂનાગઢમાં 100 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. તેના ચાર વર્ષ બાદ 1987માં દુષ્કાળ પડ્યો હતો. ત્યારે ચાલુ વર્ષે હજુ ચોમાસું વિધિવત ચાલુ છે, ત્યાં સુધીમાં 65 ઈંચ જેટલો સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે. આમ વરસાદની પેટર્ન બદલાતી જોવા મળી રહી છે. આ બાબત વાતાવરણમાં, પર્યાવરણમાં આવેલા ફેરફારો દર્શાવે છે. વાતાવરણ જે રીતે પ્રદુષિત થઈ રહ્યું છે તેની સીધી અસર હવે વર્તાઈ રહી છે. જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આગામી સમયમાં તેને અનુરૂપ યોજનાઓ પણ સરકારે પણ વિચારવી પડે તો નવાઈ નહીં.

Share This Article