• હોલ ટીકીટમાં દર્શાવેલ સીટ નંબર અને પ્રશ્નપત્ર તથા ઉત્તરવાહીમાં અલગ સીટ નંબર ફાળવવા આવ્યા, પરીક્ષા ઉત્તરવહી આપ્યા બાદ ૪૦મિનિટ બાદ લેવાઈ, એક હોલમાં ત્રણ બ્લોક ફાળવાયા : હેમાંગ રાવલ
• પરીક્ષાના સેન્ટરના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે, હાલ પૂરતું પરિણામ સ્થગિત કરવામાં આવે અને જો કોઈ ગેરનીતિ થઈ હોય તો ભરતી પરીક્ષા રદ કરવામાં આવે તેમજ સત્વરે તાજેતરમાં વિધાનસભામાં પસાર થયેલ ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક, ૨૦૨૩ના કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે : હેમાંગ રાવલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર વાર્તાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા વિભાગના કો કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી ની સરકારના ત્રણ દાયકામાં પેપર ફૂટવાની તવ તારીખ સમગ્ર ગુજરાતની જનતાએ જોયેલી છે અને ગુજરાતની અંદર પેપર ફૂટવાની ઘટનાઓએ ઇતિહાસની કાળીટીલી સમાન છે અત્યાર સુધી GPSC ચીફ ઓફિસર, તલાટી, જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટી પરીક્ષા, TAT -શિક્ષક, મુખ્ય-સેવિકા, નાયબ ચિટનિસ, LRD-લોકરક્ષક દળ, બિનસચિવાલય કારકુન,હેડ-ક્લાર્ક લગભગ ૨૨ વખત પેપર ફૂટ્યા છે અને દર વખતે કહેવામાં આવ્યું છે કે, “ચમરબંધીઓને છોડવામાં નહીં આવે” પરંતુ આજ સુધી કોઈપણ મોટા માથાનો વાળ વાંકો થયો નથી.
પહેલા તો ગુજરાતમાં પેપર ફૂટવાની ઘટના બનતી હતી અને ભરતી કૌભાંડો થતા હતા પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે હવે તો ૪૦ લાખ રૂપિયા આપો અને સીધા જ સરકારી નોકરી મેળવી શકો છો અને તે પણ પોલીસની નોકરી… કોઈપણ જાતની પરીક્ષા આપ્યા વિના જોડાઈ જાવ અને પગાર મેળવો જેવા ભ્રષ્ટાચારી કૌભાંડની ઘટનાને અનુલક્ષીને ગુજરાતની જનતા અને ખાસ કરીને ૬૦ લાખ બેરોજગારોમાં ખૂબ જ રોષ વ્યાપેલો છે.
ગુજરાતમાં મોટાભાગના સરકારી વિભાગોમાં જગ્યાઓ ખાલી હોવા છતાં ભાજપ સરકાર ભરતી કરતી નથી. ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી વર્ગ-૩ અને વર્ગ-૪ ની ભરતી કરવાને બદલે આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટપ્રથાથી ગુજરાતના યુવાનોનું સુનિયોજિત રીતે આર્થિક શોષણ થઈ રહ્યું છે.
ભાજપા સરકારમાં મળતિયાઓ – ગોઠવણ વાળાઓને મોટા પાયે રોજગાર મળે છે અને સામાન્ય-મધ્યમવર્ગના લાખો યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે.
સરકારી ભરતીમાં વારંવાર પેપર ફુટે છે ! ડમી કાંડ અને લાંચ આપીને નોકરીઓ મળી રહી છે એવી ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક ટેકનીકલ સુપરવાઇઝરની ૭૫ જગ્યાઓની નોકરી માટે જાહેરાત કરવામાં આવી હતી જેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૮ માર્ચ ૨૦૨૩ હતી ઉપરોક્ત પરીક્ષામાં જેઓના ફોર્મ ભરાઈ ગયા અને પૈસા પણ ભરાઈ ગયા હોય અને વેરિફિકેશન થયા બાદ તેઓની લેખિત પરીક્ષા ગત રવિવારે તારીખ ૯ જુલાઈ ૨૦૨૩ ના રોજ લેવાઇ હતી. ઉપરોક્ત સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા વ્યાપક ગેરનીતિની ફરિયાદો કરાઈ રહી છે. સામાન્ય રીતે જ્યારે આ પ્રકારની ભરતી પરીક્ષાઓ લેવાય છે ત્યારે વિદ્યાર્થીઓની ઓનલાઈન હોલ ટિકિટમાં જે સીટ નંબર લખેલો હોય છે તે જ સીટ નંબર પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓને મળતા પ્રશ્નપત્ર અને ઉત્તરવાહીમાં દર્શાવેલ હોય છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાની સહાયક ટેકનીકલ સુપરવાઇઝરની ૭૫ જગ્યાઓ માટે લેવાયેલ પરીક્ષામાં વિદ્યાર્થીઓની હોલ ટિકિટ પર જે સીટ નંબર હતો તે નંબર પ્રશ્નપત્ર અને ઉત્તરવાહીમાં અલગ દર્શાવવામાં આવેલ હતો વળી એલ.ડી એન્જિનિયરિંગ સેન્ટર ખાતે લેવામાં આવેલ પરીક્ષામાં ૦૯:૦૦ વાગે પરીક્ષાર્થીઓએ હાજર થવાનો સમય હતો અને ૧૦:૩૦ વાગે પરીક્ષાનો સમય હતો પરંતુ પ્રશ્નપત્ર આપ્યા બાદ ૪૦ મિનિટ બાદ ઉત્તરવાહી આપવામાં આવી હતી. આમ આવા પ્રકારની મોડસ ઓપરેન્ડી કોઈ મોટા કૌભાંડની ચાડી ખાઈ રહી હોય એમ લાગી રહ્યું છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને પ્રદેશ કોંગ્રેસ પ્રશ્ન કરે છે કે,
• શા માટે હોલ ટિકિટ અને પરીક્ષાના દિવસે આપવામાં આવેલ પ્રશ્નપત્ર અને ઉત્તરવાહીમાં અલગ અલગ સીટ નંબર દર્શાવવામાં આવ્યા હતા?
• એવા કયા કારણો હતા કે ૧૦:૩૦ કલાકે શરૂ થનાર પરીક્ષા ઉત્તરવાહી આપ્યા પછી ૪૦ મિનિટ મોડી લેવાઇ?
• સામાન્ય રીતે ભરતી પરીક્ષામાં ફાળવેલા બ્લોકમાં વિદ્યાર્થીઓને એક એક બેન્ચ છોડીને દૂર દૂર બેસાડવામાં આવતા હોય છે પરંતુ અહીં શા માટે એક જ હોલમાં ત્રણ બ્લોકના વિદ્યાર્થીઓને એક પણ બેન્ચ છોડ્યા સિવાય આગળ પાછળ બેસાડવામાં આવ્યા?
આજે આ પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓ શક સેવી રહ્યા છે કે સીટ નંબરોની અદલા બદલી અને મોડી લેવાયેલ પરીક્ષા તથા તેઓના અણઘડ બ્લોક મેનેજમેન્ટએ લાગતા વળગતાને ફાયદો કરાવવા માટેનો કારસો હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસ માંગણી કરે છે કે ઉપરોક્ત પરીક્ષાના સેન્ટરના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે, હાલ પૂરતું પરિણામ સ્થગિત કરવામાં આવે અને જો કોઈ ગેરનીતિ થઈ હોય તો ઉપરોક્ત પરીક્ષા રદ કરવામાં આવે તેમજ સત્વરે તાજેતરમાં વિધાનસભામાં પસાર થયેલ ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક, ૨૦૨૩ના કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે.
ગુજરાતમાં સરકારી ભરતીમાં વારંવાર પેપર ફોડવાની ગેરનીતી કરનાર, ચમરબંધી કૌભાંડીઓ, મોટા માથાઓ આ વખતે છટકે નહીં તે જોવાની જવાબદારી સરકારની છે.
