ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબરે મહેસુલ વિભાગ : અમિત ચાવડા
જમીન માપણી, રી-સર્વેના ગોટાળા – કૌભાંડ, જમીન સંપાદનમાં ભેદભાવ- અન્યાય, ખેડૂતોની જમીનો ઉપર અધિકારીઓ – પોલીસ – નેતાઓ દ્વારા જબરજસ્તી કબ્જા, લેન્ડ-ગ્રેબીંગ, ગૌચરની જમીન પર માથાભારે લોકો દ્વારા કબ્જો, ગણોતીયાના હક્કો ડુબાડી જમીનોના કબ્જા લેતી સરકાર ખેડૂતોની વાત સાંભળતી નથી ત્યારે આવી તમામ રજુઆતો, ફરિયાદો માટે ઓગસ્ટના પ્રથમ અઠવાડીયે ગાંધીનગર ખાતે કોંગ્રેસ યોજશે જનમંચ : અમિત ચાવડા
વ્યાપક ગોટાળા – ભ્રષ્ટાચારવાળી જમીન માપણી – રી-સર્વે રદ કરવામાં આવે : અમિત ચાવડા
જમીન માપણી – રી-સર્વે માટે સરકાર શ્વેતપત્ર બહાર પાડે : અમિત ચાવડા
ગુજરાતમાં આશરે ૫ કરોડ ચો.મી. ગૌચરની જમીન ઉપર દબાણ : અમિત ચાવડા
અધિકારીઓ, પોલીસ અને સરકારની મિલીભગતથી જમીનો નામે કરવા, કબ્જા લેવા, હડપ કરવાનું નેટવર્ક ડબલ એન્જીન સરકારમાં ડબલ ઝડપે આગળ વધી રહ્યું છે : અમિત ચાવડા
ખેડુતોની જમીન હડપતી સરકાર, ખેડુતોના નિસાસા લેતી સરકાર, ગાયનું ચારણ ખાતી સરકાર, દાદાગીરીથી દબાણ કરતી સરકાર, જમીન પચાવી પાડતી સરકાર : અમિત ચાવડા
આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા એ પ્રેસ વાર્તા અંતર્ગત જમીન માપણીના ગોટાળા, રી-સર્વેમાં થતો ભ્રષ્ટાચાર, નેતાઓ, અધિકારીઓ અને મળતીયાઓ દ્વારા પચાવી પાડવામાં આવતી જમીનો ઉપર આ ડબલ એન્જિનની ભ્રષ્ટાચારી સરકારને આડે હાથ લેતા વેધક સવાલો પૂછ્યા. સાથેસાથે સરકાર જનતાને અને ખેડૂતોને જવાબ આપે તેવી માંગણી કરી.
સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ તરફથી જનમંચ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. દરેક જિલ્લાઓમાંથી ખેડૂતો દ્વારા અનેક ફરિયાદો મળી છે. જે રજૂઆતો મળી છે એ જોતા એટલું સ્પષ્ટ છે કે આ ડબલ એન્જિન સરકારમાં ડબલ ગતિથી વધતા ભ્રષ્ટાચારમાં જો સરકારમાં ભ્રષ્ટાચાર માટે નંબર આપવાનો થાય તો મુખ્યમંત્રીશ્રીના હસ્તકનું વિભાગ એટલે મહેસુલ વિભાગને પહેલો નંબર આપવો પડે. વારસાઈની નોંધથી લઈને જમીનના રિ-સર્વે સુધીની તમામ મહેસૂલની કામગીરીમાં દિન પ્રતિદિન ભ્રષ્ટાચાર ડબલ ગતિથી વધી રહ્યો છે અને એટલા જ માટે પ્રજા તરફથી વારંવારની રજૂઆતો-ફરિયાદો-આંદોલનો- લડતો છતાં સરકારના પેટનું પાણી પણ હાલતું નથી.
લગભગ ૨૦૧૧-૧૨ થી રી-સર્વેની કામગીરી ગુજરાતમાં શરૂ કરવામાં આવી. ભાજપના નેતાઓની સીધી સંડોવણી દ્વારા તેમના આર્થિક હિતો સચવાય તે રીતે એજન્સીની પસંદગી કરવામાં આવી. ખોટી ભૂલ ભરેલી આ જમીન માપણીની અનેક ફરિયાદો થઈ છતાં એજન્સીઓની તરફેણ કરીને એમને મોટી રકમ પણ ચૂકવવામાં આવી.
રી-સર્વેની વાત કરીએ તો ગુજરાતમાં જ્યારે ૨૦૧૦-૧૧ માં જમીન માપણીની શરૂઆત કરવામાં આવી ત્યારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે જામનગર અને બનાસકાંઠા જિલ્લામાં શરૂઆત કરવામાં આવી હતી. જેના નિયમો, ગાઈડલાઈનની અનદેખી કરવામાં આવતી હતી અને એટલા જ માટે કોંગ્રેસ પક્ષ તરફથી વિધાનસભાથી શરૂ કરીને ગ્રાઉન્ડ લેવલ સુધી દરેક જગ્યાએ સતત લડત લડવામાં આવી કે આ ભૂલ ભરેલી માપણી થઈ રહી છે અને ખેડૂતોનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
૨૦૧૮ માં ખુબ વિરોધ થયો ત્યારે આ સરકારે જમીન માપણી રદ કરવાની જાહેરાત કરી અને ત્યારે લગભગ ૧૨ હજાર ગામમાં પ્રમોલગેશનની કામગીરી પહોંચી હતી ત્યારે જમીન માપણી સ્થગિત કરી હતી અને ત્યાર પછી વ્યાપક ફરિયાદોના નિકાલ માટે ચાર મિનિસ્ટરોની કમિટી બનાવવામાં આવી. જામનગર અને દ્વારકા જિલ્લાના બે ગામો સાપર અને પીપળની પસંદગી કરવામાં આવી, આજ દિન સુધી આ કમિટીએ શું કર્યું? શું તપાસ કરી એનો રિપોર્ટ જાહેર કરવામાં નથી આવતો, આ કમિટીએ તપાસ કરેલા રિપોર્ટમાં સાબિત થઈ ચૂક્યું છે કે મોટા પ્રમાણમાં ગેરરીતીઓ થઈ છે. શ્રી અમિતભાઈ ચાવડાએ સરકાર જોડે માંગણી કરી કે આવતા એક અઠવાડિયાની અંદર રિપોર્ટ જાહેર કરો અન્યથા માહિતી અધિકારમાં અમારી પાસે રિપોર્ટને લગતી જે વિગતો છે એને અમે આવતા અઠવાડિયાથી જાહેરાત કરવાની શરૂઆત કરીશું.
જમીન માપણીની કચેરીઓમાં મોટા પ્રમાણમાં ગેરરીતી થઈ છે, માથાભારે લોકો અને ભાજપના મળતિયાઓ દ્વારા આ રી-સર્વેની કામગીરી દ્વારા હાલમાં મોટા પ્રમાણમાં સરકારી જમીન ઉપર કબજો લેવામાં આવી રહ્યો છે. આખા ગુજરાતમાં દરેક જિલ્લામાં સરકારી ગૌચર ઓછું થયું છે. સરકારી પડતર ખરાબાની જમીન ઓછી થઈ છે. સાથે સાથે જે સરકારી જમીનો ઓછી થાય કા તો બીજાના નામે ટ્રાન્સફર કરવાની થાય તો ૩૭(૨) મુજબ ડેપ્યુટી કલેકટરે એ અંગેનો કેસ ચલાવવાનો હોય, કાર્યવાહી કરવાની હોય, કલેક્ટરની મંજૂરી લેવાની હોય પણ એવું કંઈ પણ થતું નથી. આજે વ્યાપક પ્રમાણમાં રી-સર્વે ના નામે ખાનગી લોકો દ્વારા જમીન ઉપર કબજો લેવામાં આવી રહ્યો છે ત્યારે એ વિષયમાં વારંવાર રજૂઆતો કરી ફરિયાદો કરી પણ સરકાર સાંભળતી નથી ત્યારે આવનારા દિવસોમાં એના માટેની લડત અને સુનવાઈ કોંગ્રેસ પક્ષ કરશે.
ગાયના નામે મત તો લીધા, હિન્દુત્વના નામે રાજકારણ તો કર્યું પણ ત્રણ દાયકાથી આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ગૌચરની જમીનો ઓછી થઈ રહી છે, ઉદ્યોગપતિઓને પધરાવવામાં આવી રહી છે એમના મળતિયાઓ દ્વારા કબ્જા કરવામાં આવી રહ્યા છે એના કારણે ગાયના મોઢામાંથી ચારો છીનવાનું કામ આ ભાજપની સરકારના રાજમાં થઈ રહ્યું છે. ૧૦૦ ગાય હોય તો એના માટે ૪૦ એકર ગૌચર હોવું જોઈએ પણ ત્રણ દાયકાના ભાજપના શાસનમાં સ્થિતિ એવી થઈ કે ૧૮૦૦૦ માંથી લગભગ ૯૦૦૦ ગામોમાં તો ગૌચર નિયમ કરતા ઓછું છે અને ૩૦૦૦ ગામમાં તો ગૌચર જ નથી તો ગાયો કે પશુઓ ચરવા જાય ક્યા. ગુજરાતમાં ગૌચરની જમીન ઉપર દબાણો છે એને તોડવાની હિંમત આ સરકારમાં નથી કારણ કે એમના મળતીયાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ૧.૭૫ કરોડ ચોરસ મીટર ક્ષેત્રફળમાં જમીન પર દબાણો છે, અમદાવાદમાં ૧૩ લાખ ૩૫ હજાર ચોરસ મીટર, સુરતમાં ૧ લાખ ૫૨ હજાર ચોરસ મીટર, ભાવનગરમાં ૪૯ લાખ ૯૬ હજાર ચોરસ મીટર, એમ આખા ગુજરાતમાં ગણીએ તો ૫ કરોડ ચોરસ મીટર આશરે ગૌચરની જમીન પર દબાણ કરવામાં આવેલ છે.
ભાજપના રાજમાં આ ભૂમાફિયા બેફામ કેમ થાય કારણ કે આ રાજમાં સરકારમાં બેઠેલા નેતાઓ, અધિકારીઓ અને પોલીસ તંત્ર ત્રણેયની મિલીભગતથી આખા ગુજરાતમાં સરકારી અને ગરીબ લોકોની જમીનોને હડપ કરી દેવાનું, એનો ખોટી રીતે વેપાર કરીને કરોડો રૂપિયા ઘર ભેગા કરવાનું એક વ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું છે. ગાંધીનગર જિલ્લાના મુલસાણા ગામમાં ૨૨૦૦ વીઘા જેટલી જમીન ગણોતિયાના હકો ડુબાડીને, નિયમોની એસીતેસી કરીને પોતાના નામે કરી ૧૦,૦૦૦ કરોડ કરતાં વધારે નો વેપાર થયો. એ જ રીતે ખેડા જિલ્લામાં ફાગવેલ પાસે એક પૂર્વ મંત્રીના મળતીયાઓ દ્વારા આખા ગામે ગામ પોતાના નામે કરીને મોટા પ્રમાણમાં જમીનો હડપવામાં આવી રહી છે .
અમદાવાદ, રાજકોટ, વડોદરા, કે સુરત એની આસપાસની જે કિંમતી જમીનો છે એ આજે મોટા પ્રમાણમાં અધિકારીઓ, પોલીસ તંત્ર અને સરકારમાં બેઠેલા લોકોની મીલીભગતથી ગરીબો પાસેથી, ગણોતીયાના હક્કો ડુબાડી, દાદાગીરી કરીને જમીનો હડપવામાં આવી રહી છે. નોકરીના બદલે વધારે સમય આ જમીનોનો વહીવટ કરવા માટે, જમીનોના સેટલમેન્ટ કરવા માટે અને જમીનોના કબજા લેવા માટે પગાર મળતો હોય એવી રીતે કામ કરી રહ્યા છે.
સરકારી જમીન સંપાદનના ૨૦૧૩ ના યુ.પી.એ.ની કેન્દ્ર સરકારના જે તે સમયના કાયદા મુજબ વળતર મળવું જોઈએ અને ખેડૂતની/જમીન માલિકની સંમતિ હોવી જોઈએ. એ રીતે ભારત માલા પ્રોજેક્ટ હોય કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ હોય કે બાયપાસ રોડના પ્રોજેક્ટ હોય કે આદિવાસી વિસ્તારમાં ઉદ્યોગોના વિકાસ માટે ડેવલપમેન્ટના નામે પ્રોજેક્ટ હોય કે મુંબઈ દિલ્હી એક્સપ્રેસવે નો પ્રોજેક્ટ હોય એમાં જમીન સંપાદનના નામે માનીતાઓને લાભ કરાવવાનો જે ભેદભાવ થઈ રહ્યો છે, જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને જે માનીતા ના હોય તેને આર્થિક રીતે નુકસાન પહોંચાડવાનું કામ થઇ રહ્યું છે તેવી ફરિયાદો જનમંચના માધ્યમ દ્વારા અમારી પાસે આવી છે.
ભરૂચ જિલ્લાના ખેડૂતોને એમની નુકસાની નું વળતર ન મળે અને બાજુમાં ભાજપના પ્રદેશના અધ્યક્ષનું મત ક્ષેત્ર હોવાથી એમના વિસ્તારના કેટલાક ખેડૂતોને વળતર વધારે મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. એવી જ રીતે આદિવાસી વિસ્તારોમાં ઉદ્યોગો માટે જમીન સંપાદન કરવામાં આવી રહી છે તેમાં જે હયાત રોડ છે તેને પહોળા કરવાને બદલે જંગલોમાંથી રોડ પસાર કરીને આદિવાસીઓની જમીનો હડપ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં જોઈએ તો મોરબી નવલખી બંદર રોડ હોય કે ભાવનગર સોમનાથ પોરબંદર દ્વારકા રોડ હોય કે આવા અનેક પ્રોજેક્ટ છે જેમાં જમીન સંપાદનના કાયદા મુજબ ખેડૂતોને વળતર નથી મળતું, એમની સંમતિ લેવામાં નથી આવતી અને એમના વાંધા વિરોધ છતાં ખેડૂતો પાસેથી જબરજસ્તીથી કબજા લેવામાં આવી રહ્યા છે. છોટાઉદેપુરના ભાજપના એમ.પી., રાજકોટના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ અને ભાજપના નેતા ચંદ્રેશ પટેલે પણ સ્વીકાર્યું છે કે આ જમીન માપણી સર્વેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલે છે અને પૈસા લીધા વગર કોઈ કામ થતું નથી.
ગુજરાતમાં પ્રજાની સુનવાઈ ના થતી હોય, પ્રજાની વ્યાજબી ફરિયાદ સાંભળવામાં ન આવતી હોય, ત્યારે જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ તરફથી જનમંચનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ખાસ કરીને મહેસુલ વિભાગના જે પ્રશ્નો છે કે જો તમારી જમીનમાં તમારા ગણોતિયાના હક્ક ડુબાડવામાં આવ્યા હોય, રી-સર્વેની કામગીરીમાં ગોટાળા થયા હોય, ભ્રષ્ટાચાર થયો હોય, એની કોઈ સુનવાઈ ના થતી હોય, જમીનોની કોઈ ફરિયાદ હોય કે કોઈ માથાભારે તત્વો દ્વારા જમીનનો કબજો લેવાતો હોય, તમારા ગામની ગોચર જમીન ઉપર કોઈએ ખોટો કબજો લીધો હોય, તમારી જમીનો રી-સર્વેમાં કોઈકના નામે બતાવી દીધી હોય, સરકારી જમીન પર કોઈક લોકોએ કબજો કરી લીધો હોય એવા તમામ કિસ્સાઓ અને તમારી જમીન પર પોલીસ પ્રશાસન દ્વારા કોઈ જબરજસ્તીથી કબજો કરવાનો પ્રયત્ન થતો હોય, તમારી જમીનમાં જમીન સંપાદનનું પૂરતું વળતર ના મળતું હોય, કોઈ હેરાનગતિ થતી હોય, તમારી જમીનના જે મહેસુલ વિભાગમાં પ્રકરણો ચાલે છે એના અંગે કોઈ પૈસા માંગતું હોય તો આવી જે પણ જમીનને લગતી, ખેડૂતોને લગતી ફરિયાદો છે જેની સરકાર સુનવાઈ નથી કરતી એવા તમામ લોકોને શ્રી અમિતભાઈ ચાવડાએ મીડિયાના માધ્યમથી સંદેશ આપ્યો કે તમારી વ્યાજબી ફરિયાદો-રજૂઆતો માટે કોંગ્રેસ પક્ષ ચિંતિત છે અને અને એના માટે જે પણ હકક અધિકારની લડાઈ છે એ કોંગ્રેસ પક્ષ લડશે. આ હેતુ અંતર્ગત ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં ગાંધીનગર ખાતે જનમંચ કાર્યક્રમ યોજાશે શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું .
