સિડનીમાં પાકિસ્તાન વિરૂદ્ધ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી રહેલા ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરે મેદાન પર બેટિંગ કરતા પહેલા પોતાના દિવંગત મિત્ર ફિલિપ હ્યુજીસને યાદ કર્યા હતા. આ જ મેદાન પર શેફિલ્ડ શિલ્ડ મેચ દરમિયાન ગરદન પર બોલ વાગવાથી હ્યુજીસનું મૃત્યુ થયું હતું. મેદાનમાં પ્રવેશતા પહેલા સાથી ઓપનર ઉસ્માન ખ્વાજાએ તેને ગળે લગાવ્યો હતો, જ્યારે પાકિસ્તાની ખેલાડીઓએ તેને મેદાન પર ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માન કર્યું હતું. પાકિસ્તાનની આ હરકતના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે.
ડેવિડ વોર્નરે આ શ્રેણીની શરૂઆત પહેલા જ તેની ટેસ્ટ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી, જ્યારે તેણે સિડની ટેસ્ટ પહેલા ODI ક્રિકેટને પણ અલવિદા કહી દીધું હતું. જો કે, તેણે એમ પણ કહ્યું કે જો ઓસ્ટ્રેલિયાને તેની જરૂર પડશે તો તે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 રમવા માટે ઉપલબ્ધ રહેશે.
જો સિડની ટેસ્ટની વાત કરીએ તો ટોસ જીત્યા બાદ પાકિસ્તાની ટીમ પહેલા બેટિંગ કરવા આવી હતી અને પ્રથમ દાવમાં 313 રન બનાવ્યા હતા. મોહમ્મદ રિઝવાન, આગા સલમાન અને આમેર જમાલે અડધી સદી ફટકારી હતી. એક સમય એવો હતો કે જ્યારે યજમાન ટીમે પાકિસ્તાનની 4 વિકેટ 47ના સ્કોર સુધી ઘટાડી દીધી હતી, પરંતુ ત્યાર બાદ રિઝવાન (88) સાથે સલમાન (53)એ ઈનિંગને સંભાળી અને જમાલે 82 રનની શાનદાર ઈનિંગ રમીને ટીમને 300ના સ્કોરથી આગળ લઈ ગઈ.
Respect!
A guard of honour for the retiring David Warner #AUSvPAK pic.twitter.com/e1vCaN07Jb
— cricket.com.au (@cricketcomau) January 3, 2024
કેપ્ટન પેટ કમિન્સે ફરી એકવાર ઓસ્ટ્રેલિયા માટે પોતાનો પંજો ખોલ્યો, આ સતત ત્રીજી ઇનિંગમાં તેની 5 વિકેટ છે. અગાઉ તેણે મેલબોર્ન ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 5-5 વિકેટ ઝડપી હતી. જ્યારે મિચેલ સ્ટાર્કને 2 અને હેઝલવુડ, નાથન લિયોન અને મિશેલ માર્શને 1-1 સફળતા મળી હતી.