ખાણ માફિયાઓને ડામવા ખનીજ વિભાગે બહાર પાડ્યો પરિપત્ર, વાહનોમાં જીપીએસ ટ્રેકર લગાવવું ફરજિયાત

Jignesh Bhai
1 Min Read

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓનો ત્રાસ વધી ગયો છે ત્યારે અનેક ખનીજનું ગેરકાયદે ખનન થતું હોવાની ઘટનાઓ સામે આવે છે. જેને અંકુશમાં લેવા માટે હવે ખનીજ વિભાગ દ્વારા નવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં જ ખનીજ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, હવે ગુજરાતમાં ખનીજ વહન કરતા વાહનોમાં જીપીએસ ટ્રેકર ફીટ કરવામાં આવશે અને 30 સપ્ટેમ્બર 2023 પછી ઓનલાઈન પોર્ટલ પર નોંધાયેલ ન હોય તેવા વાહનોને અમાન્ય ગણવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વધી રહેલા ખનીજ કૌભાંડના કારણે ખનીજ વિભાગે આ નિર્ણય લીધો છે. 28મી જુલાઈના રોજ ભૂસ્તરશાસ્ત્ર અને ખનિજ વિજ્ઞાનના કમિશનર ડૉ. ધવલ પટેલે પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ખનીજનું વહન કરતા વાહનોએ હવે ફરજિયાત જીપીએસ ટ્રેકર લગાવવાના રહેશે અને આગામી 30મી સપ્ટેમ્બરથી ફરજીયાત રજીસ્ટ્રેશન VTMS પોર્ટલ પર કરાવવાનું રહેશે, જો રજીસ્ટ્રેશન નહીં થાય તો તે વાહન વહન માટે ગેરકાયદેસર ગણવામાં આવશે.

આ પ્રકાર સૌપ્રથમ સુરતમાં શરૂ થયો હતો. તે પછી, પરિવહન અને સંગ્રહના નિયમન માટે ખાણ અને ખનીજ (વિકાસ નિયમન) સુધારા અધિનિયમ-1957ને વધુ કડક બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમો આગામી સપ્ટેમ્બર મહિનાથી લાગુ કરવામાં આવશે, જેથી માઈનીંગ માફિયાઓ પર અંકુશ લાવી શકાય.

Share This Article