પાલનપુરમાં વોર્ડ ન.3માં ગંદકીનું સામ્રાજ્ય

admin
1 Min Read

પાલનપુરમાં વોર્ડ નંબર 3 માં આવેલી સોસાયટી પાછળ જ નગરપાલિકા દ્વારા ગંદા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો હોઈ રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. જ્યાં રવિવારે એકત્રિત થયેલા રહીશોએ જો આ સમસ્યાનો ઉકેલ નહિ આવે તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. પાલનપુર શહેરના ગંદા પાણીનો નિકાલ અગાઉ સદરપુર નજીક કરવામાં આવતો હતો. જોકે, ત્યાં રાજીવગાંધી આવાસ બનાવી દેવામાં આવ્યા છે. વર્તમાન સમયે ગંદા પાણી માનસરોવર તેમજ અન્ય જગ્યાએ ઠાલવવામાં આવી રહ્યા છે. જેમાં વોર્ડ નંબર ત્રણમાં હરિઓમ સોસાયટી પાછળ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવતો હોઈ સ્થાનિક રહીશોમાં ભારે રોષ ઉદ્દભવવા પામ્યો છે. જ્યાં રવિવારે સ્થાનિક નગર સેવિકા આશાબેન રાવલ સહિત રહીશો એકત્રિત થયા હતા. તેમણે આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં ગંદુ પાણી ભરાઈ રહેતા લોકો ડેન્ગ્યુ સહિત મચ્છરજન્ય બિમારીમાં સપડાયા છે. તેમજ ભયંકર  રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. આ અંગે નગરપાલિકામાં વાંરવાર રજુઆત કરવા છતાં પણ કોઈજ ઉકેલ આવતો નથી. જો ગંદા પાણીના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા નહીં થાય તો આંદોલન કરવામાં આવશે.

 

Share This Article