એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના એક અધિકારીની સરકારી કર્મચારી પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ લેવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન (DVAC) દ્વારા આપવામાં આવી છે. ED અધિકારીની ધરપકડ ખૂબ જ નાટકીય રીતે થઈ હતી. તમિલનાડુ પોલીસે તેને રંગે હાથે પકડવા માટે કાર દ્વારા 8 કિલોમીટર સુધી તેનો પીછો કર્યો હતો. ડિંડીગુલમાં અટકાયત કર્યા પછી, DVAC અધિકારીઓની એક ટીમે મદુરાઈમાં સબ-રિજનલ ED ઓફિસમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન રાજ્યના પોલીસકર્મીઓ કેન્દ્ર સરકારની ઓફિસની બહાર તૈનાત હતા. DVAC ના સત્તાવાર પ્રકાશનમાં ધરપકડ કરાયેલ અધિકારીની ઓળખ અંકિત તિવારી તરીકે કરવામાં આવી છે, જે કેન્દ્ર સરકારની મદુરાઈ એન્ફોર્સમેન્ટ ડિવિઝન ઓફિસમાં અમલીકરણ અધિકારી તરીકે કામ કરે છે.
DAVC અધિકારીઓના જણાવ્યા અનુસાર અંકિત તિવારીએ ED અધિકારીઓ સાથે પોતાની ટીમ બનાવી હતી. તે લોકોને ધમકાવતો હતો અને તેમની પાસેથી લાંચની ઉઘરાણી કરતો હતો. તિવારી શંકાસ્પદ આરોપીઓને આશ્વાસન પણ આપતા હતા કે તેઓ તેમની સામે EDમાં નોંધાયેલ કેસને બંધ કરાવશે. અહેવાલો અનુસાર, DVAC અધિકારીઓ તપાસના સંબંધમાં મદુરાઈમાં કેન્દ્રીય એજન્સીની ઓફિસ પહોંચ્યા. આ સમયગાળા દરમિયાન ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોને અધિકારીઓની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. DVAC અધિકારીઓએ આરોપી અંકિત તિવારીને 20 લાખ રૂપિયાની રોકડ સાથે ડિંડીગુલમાં પકડ્યો હતો. અધિકારી પર સતત નજર રાખવામાં આવી રહી હતી જેથી તે લાંચ લેતા પકડાઈ શકે.
કોણ છે અંકિત તિવારી, કેવી રીતે રચાયો હતો આખો પ્લાન?
અંકિત તિવારી 2016 બેચના અધિકારી છે. આ પહેલા તે ગુજરાત અને મધ્યપ્રદેશમાં પણ કામ કરી ચુક્યો છે. ડીવીએસી ચેન્નાઈ દ્વારા જારી કરાયેલ સત્તાવાર રીલીઝ મુજબ, તિવારી કેન્દ્ર સરકારની મદુરાઈ એન્ફોર્સમેન્ટ ડિવિઝન ઓફિસમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે કામ કરે છે. ઓક્ટોબરમાં તિવારીએ ડિંડીગુલમાં એક સરકારી ડૉક્ટરનો સંપર્ક કર્યો. ED અધિકારીએ તે જિલ્લામાં તેની સામે નોંધાયેલ તકેદારી કેસ વિશે જણાવ્યું, જેનો નિકાલ થઈ ચૂક્યો છે. તિવારીએ ડૉક્ટરને કહ્યું કે તેમની વિરુદ્ધ તપાસ અંગે વડા પ્રધાન કાર્યાલય તરફથી સૂચનાઓ મળી છે. અધિકારીએ તેને 30 ઓક્ટોબરે મદુરાઈમાં ED ઓફિસમાં હાજર થવા કહ્યું.
3 કરોડની લાંચ માંગી, 51 લાખ આપવા સંમત થયા
જ્યારે ડોક્ટર મદુરાઈ ઓફિસ પહોંચ્યા તો તિવારીએ તેમની પાસેથી લાંચની માંગણી કરી. ED અધિકારીએ કહ્યું કે જો તેઓ 3 કરોડ રૂપિયા આપે તો તેમની સામે કાનૂની કાર્યવાહી રોકી શકાય છે. બાદમાં તિવારીએ કહ્યું, ‘મેં મારા વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી છે અને તેમની વિનંતી પર હું 51 લાખ રૂપિયા લાંચ લેવા તૈયાર છું.’ ડોક્ટરે જણાવ્યું કે તેણે તેને 1 નવેમ્બરે લાંચના પ્રથમ હપ્તા તરીકે 20 રૂપિયા આપ્યા હતા. આ પછી તિવારીએ તેને વોટ્સએપ પર ઘણા ફોન અને મેસેજ કર્યા જેમાં તેણે કહ્યું કે જો પૂરી રકમ નહીં આપવામાં આવે તો તેણે પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.