પ્રાચી દેસાઈ અને એકતા કપૂરની મિત્રતાથી આખી ઇન્ડસ્ટ્રી વાકેફ છે. અત્યારે પ્રાચી ફરીથી ઇન્ડસ્ટ્રીમાંથી ગુમ છે ત્યારે એકતા ફરીથી તેનો સહારો બની રહી છે અને હવે તે પ્રાચીને રીલૉન્ચ કરવા માગે છે. પ્રાચીએ પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી અને એકતાએ પ્રાચીને ‘કસમ સે’ નામની સિરિયલમાં લૉન્ચ કરી હતી, પણ આ વખતે એકતા પ્રાચીને વેબ-સિરીઝમાં રીલૉન્ચ કરવા માગે છે, જેને માટે એકતા જ નહીં, પ્રાચી પણ સ્ક્રિપ્ટ શોધે છે, પણ બન્નેને પ્રાચીના લાયક હજી સુધી કોઈ સબ્જેક્ટ મળ્યો નથી. ‘કસમ સે’ સિરિયલમાં લૉન્ચ થયા પછી પ્રાચી રાતોરાત સ્ટાર બની ગઈ હતી.પ્રાચીએ ‘રોક ઓન’, ‘અઝહર’, ‘વન્સ અપૉન ટાઇમ ઇન મુંબઈ’ અને ‘એક વિલન’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. છેલ્લાં ચારેક વર્ષથી પ્રાચી ક્યાંય દેખાઈ નથી. તેણે સાઉથની બે ફિલ્મો સાઇન કરી, પણ એ ફિલ્મો હજી રિલીઝ થઈ નથી. જોકે કરીઅર પર પૂર્ણવિરામ આવે એ પહેલાં બેસ્ટ ફ્રેન્ડ અને મેન્ટર એવી એકતા પ્રાચીના પડખે ફરીથી આવી ગઈ છે અને હવે એકતા તેને વેબ-સિરીઝમાં લૉન્ચ કરવા માગે છે.

