મુસાફરોને આનંદો ! આવતીકાલથી રાજ્યમાં દોડશે વોલ્વો અને એસી એસટી બસ

admin
2 Min Read

ગુજરાત સહિત દેશભરમાં ફેલાયેલી કોરોના મહામારીના કારણે શરુઆતના સમયમાં અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. જેમાં ટ્રાન્સપોર્ટ સેવા પણ પ્રભાવિત થઈ હતી. ગુજરાતમાં કોરોનાના સંક્રમણના કારણે એસટી બસ સેવા પણ બંધ કરવામાં આવી હતી. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ અનલોક-1થી તબક્કાવાર એસટી બસ સેવાનું સંચાલન રાજ્ય સરકાર દ્વારા શરુ કરવામાં આવ્યુ હતું.

(File Pic)

ત્યારે હવે એસટી નીગમ દ્વારા તા.૨૨મી ઓગસ્ટથી વોલ્વો અને એસી ST બસોનું સંચાલન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કામાં ૪૦ બસ દોડાવાશે. આ સિવાય સુરતથી એસટી બસોનું જે સંચાલન સ્થગિત કરી દેવામાં આવ્યુ હતુ તે આજથી એટલે કે 21 ઓગસ્ટથી શરૂ કરી દેવામાં આવ્યુ છે જેથી હવે સુરત જતી અને સુરતથી આવતી તમામ એસટી બસો દોડતી થઈ છે.

(File Pic)

અગાઉ એસટી નીગમ દ્વારા આખા રાજ્યમાં કુલ ૧૮૯ વોલ્વો અને એસી ST બસો દોડાવવામાં આવતી હતી. પરંતુ કોરોના મહામારીના કારણે ૨૨ માર્ચથી આ સંચાલન સ્થગિત કરી દેવામાં આવ્યુ હતુ. હવે પ્રિમિયમ ST બસોમાં કુલ વોલ્વોની ૧૭ બસો અમદાવાદના નહેરૂનગરથી વડોદરા, અમદાવાદથી રાજકોટ અને નહેરૂનગરથી નવસારી વચ્ચે શરૂ કરાશે.

(File Pic)

આ સિવાય એસી સીટરની કુલ ૧૩ બસોને અમદાવાદથી ડીસા, અમદાવાદથી ભાવનગર, અમદાવાદથી મોરબી અને ગાંધીનગરથી અમરેલી વચ્ચે દોડાવાશે. જ્યારે એસી સ્લીપરની કુલ ૧૦ બસોને ગાંધીનગરથી દ્વારકા, ગાંધીનગરથી સોમનાથ, ગાંધીનગરથી દીવ, ગાંધીનગરથી ભૂજ અને ભુજથી વડોદરા વચ્ચે શરૂ કરાશે.

Share This Article