ગુજરાત-ચોમાસાના વિદાય લેવાના એંધાણો

admin
1 Min Read

ગુલાબ અને શાહીન વાવાઝોડાના કહેર બાદ આખરે ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી અવિરત પણે વરસી રહેલા વરસાદે આખરે બ્રેક લીધો છે. ત્યારે વરસાદ મામલે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. આ સાથે જ હવે ચોમાસુ પૂર્ણ થવાની પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. સાથે જ નવરાત્રિ પણ સારી જવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે. સાથે જ ચોમાસુ પૂર્ણ થવાના સંકેત પણ હવામાન વિભાગે આપી દીધા છે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, આગામી 5 દિવસ રાજ્યમાં નહિવત વરસાદ રહેશે. જોકે, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. વાવાઝોડું શાહીન હવે ગુજરાત કાંઠેથી ઘણુ દૂર નીકળી ગયુ છે. જે પાકિસ્તાન તરફ ફંટાઈ રહ્યુ છે. તેથી હવે શાહીનનો ખતરો ટળી ગયો છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 12 કલાક માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હવે ચોમાસુ પૂર્ણ થવાની પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. 6 ઓક્ટોબરથી ચોમાસાની રાજ્યમાંથી વિદાય થવાની શરૂઆત થશે. સાથે જ નવરાત્રિમાં વરસાદનો ખતરો પણ નહિ રહે. નવરાત્રિ દરમિયાન વરસાદ આવવાના કોઈ સંકેત નથી દેખાતા. રાજ્યમાં વરસાદની ઘટ સંપૂર્ણ દૂર થઈ ગઈ છે. ગુજરાતમાં આ વર્ષે 2 ટકા વધારે વરસાદ નોંધાયો છે. તો કચ્છ-સૌરાષ્ટ્રમાં 24 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

Share This Article