અમરેલી જીલ્લાના બાબરામાં આવેલ ધારેશ્વર હનુમાનજીના મંદિરના મેદાનમા આવેલ બંઘ બોરમાંથી પાણીના ફુવારા ઉડવાની ઘટનાથી લોકોમાં કુતુહૂલ જોવા મળ્યુ છે. નિલવડા રોડ પર ઉંચા ડુંગર પર બિરાજતા ધારેશ્વર હનુમાનજી મંદિરના મેદાનમા પાણી વગરનો વર્ષોથી ખાલીખમ એક બોર છે તેમાં અચાનક પાણીના ઉંચા ફુવારા ઉડતા મંદિરના મહંત સહિત લોકો એકઠા થયા હતા. મંદિર પાસેના મેદાનમાં દિવસમાં બે વખત પાણીના ઉંચા ફુવારા ઉડતા કેટલાક લોકો તે બાબતને શ્રધ્ધા સાથે જોડી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પ્રમાણમાં સારો વરસાદ પડ્યો હતો અને આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ત્યારે અમરેલી જીલ્લાના બાબરામાં વર્ષોથી ખાલી ખમ પડેલા બોરમાંથી પાણીના ફુવારા ઉડવાની ઘટનાને પગલે ખેડૂતોમાં ખુસીની લહેર ફેલાઈ છે ત્યારે બીજી બાજુ લોકોમાં ભારે કુતુહલતા પણ વ્યાપી હતી.
