વિશાખાપટ્ટનમમાં દવા બનાવતી કંપનીમાં ગેસ લીકેજ, બે કર્મચારીના મોત

admin
1 Min Read

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં આજે સવારે દવા બનાવતી એક કંપનીમાં ગેસ લીકેજની દુર્ઘટના બની હતી જેમાં બે કર્મચારીના મોત થયા છે અને અન્ય ચારને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

વિશાખાપટ્ટનમના પરવદા ક્ષેત્રમાં જવાહરલાલ નેહરૂ ફાર્મા સિટી ખાતે આવેલી સૈનર લાઈફ સાયન્સ નામની ફાર્મા કંપનીમાં આ દુર્ઘટના બની હતી.  મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે પરવદાની જવાહરલાલ નેહરૂ ફાર્મા સિટીમાં સ્થિત સૈનર લાઈફ સાયન્સ ફાર્મા કંપનીમાંથી બેંજીમેડિજોલ ગેસ લીક થયો છે જે જીવલેણ હોય છે.  જ્યારે ગેસ લીકની દુર્ઘટના બની ત્યારે ફાર્મા કંપનીમાં 30 લોકો કામ કરી રહ્યા હતા.

અચાનક છ કારીગરોને ચક્કર આવ્યા અને તેઓ બેભાન થઈને પડી ગયા હતા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં બે કર્મચારીઓના મોત થઈ ગયા હતા. ચારની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

દુર્ઘટનામાં માર્યા ગયેલા કર્મચારીઓની ઓળખ નરેન્દ્ર અને ગૌરી શંકર તરીકે થઈ છે. એવી જાણકારી સામે આવી છે કે, હોસ્પિટલમાં દાખલ ચાર કર્મચારીઓની હાલત ગંભીર છે. બીજીબાજુ ગેસ લીકેજની ઘટના ઘટતા સુરક્ષા કારણોસર તરત કંપની બંધ કરી દેવાઈ હતી.હાલ કંપનીમાં ગેસ લીક કેવી રીતે થયો તેની તપાસ કરવામાં આવી રહી છે.

Share This Article