હમાસે ઈઝરાયેલ પર ૭ ઓકટોબરે હુમલો કર્યો, ત્યાર પછી સોનાનામાં જબ્બર માંગ નીકળતા, ભાવ સાત મહિનાના તળિયે ૧,૮૩૨ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ)થી ૯ ટકા ઉછળ્યાં હતા. શુક્રવારે ન્યુયોર્ક કોમેક્સ ડિસેમ્બર વાયદો, સતત ત્રીજા સપ્તાહે વધીને ૨૦૧૭.૮૫ ડોલર મુકાયો હતો. કેટલાંક વેપારીઓ વાયદાને બદલે સ્પોટ (હાજર) ભાવ પર વધુ નજર રાખતા હોય છે, તે પણ ૨૦૦૯.૪૧ ડોલરની સિઝન હાઇ જોઈને ૨૨.૨૪ ડોલર અથવા ૧.૧ ટકા વધી ૨,૦૦૭.૧૩ ડોલર મુકાયો હતો. હાજર ભાવે ૧,૯૯૮ ડોલરનું મહત્વનું રેસિસ્ટન્સ સફળતાપૂર્વક પાર કરી ૨,૦૦૯ ડોલરની સપાટી પ્રાપ્ત કરી લીધી છે ત્યારે, હવે ૨૦૫૦ ડોલર અને ત્યાર પછી ૨૦૭૫ ડોલર ભાવનો નવો લક્ષ્યાંક રહેશે.
જાગતિક બજારની વર્તમાન તેજી સાથે જ ભારતમાં સોનાના ભાવે નવી ઐતિહાસિક સપાટી પ્રાપ્ત કરી છે. શુક્રવારે મુંબઈમાં સ્પોટ ભાવે ૪ મે ૨૦૨૩ની રૂ. ૬૧,૪૦૦ પ્રતિ ૧૦ ગ્રામની ઊંચાઈ વટાવ્યા બાદ, શનિવારે મોટી અફડાતફડી વચ્ચે ઓલ ટાઈમ નવી હાઇ રૂ. ૬૩,૩૫૫ બનાવી હતી. શુક્રવારે સત્તાવાર હાજર બંધ રૂ. ૬0,૮૨૫ થતાં, ઓક્ટોબરમાં ભારતમાં પણ સોનાના ભાવ ૫.૪ ટકા અને વર્ષાનું વર્ષ ૧૦.૬ ટકાની વૃધ્ધિ દાખવતાં હતા. અમેરિકન ફેડરલ રિઝર્વની નાણાનીતિને પગલે વધતાં યુએસ ટ્રેઝરી યીલ્ડ અને મજબૂત ડોલરે સોનાના ભાવ પર પ્રભાવ પાડ્યો છે.
બુલિયન બજારની સાચી પરીક્ષા આગામી બુધવારે ફેડરલ રિઝર્વની નવી નાણાનીતિ અને ઈકોનોમિક ડેટાના સંકેત મળશે, ત્યારે થવાની છે. મજબૂત ડોલર અને ભૂ-ભૌગોલિક સમસ્યા સામે પણ સોનાને ઝીંક ઝીલવાની આવશે. ફુગાવાનો વધતો દર, અમેરિકન વિકાસમાં જોવાઈ રહેલી પીછેહઠ જોતાં ફેડરલ રિઝર્વ જો પોતાની નાણાનીતિ હળવી કરશે તો, સોનાના તેજીવાળા જાલ્યા નહીં જલાય. ઈઝરાયેલ યુધ્ધના આરંભ ૭ ઓકટોબર પહેલા ઘણા બધા રોકાણકારો મંદીધ્યાને સોદા કરીને બેઠા હતા, તેઓ ઊંઘતા ઝડપાયા છે, આવા રોકાણકારોને હવે બાકી રહેલા વેચાણ સોદા પણ ઝડપથી કાપવા (શોર્ટ કવરિંગ) આવવું પડશે.
હમાસ અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ વ્યાપક્તા ધારણ કરી રહ્યું છે ત્યારે આજુબાજુના દેશોમાંથી ક્રૂડ ઓઇલની સપ્લાય ખોરંભે પાડવાનો પણ ભય સર્જાયો છે. ક્રૂડ ઓઇલના ભાવની તેજી દરેક દેશના વધતાં ફુગાવાને નાથવા સેન્ટ્રલ બેન્કોને મુશ્કેલ પડી જવાનું. આ બધી ઘટનાઓ સોનાની તેજીને નવો જોમ અને જુસ્સો પૂરા પાડશે. આ સંયોગમાં મૂડી રોકાણ કયા કરવું? આવો પ્રશ્ન ભારતીય રોકાણકારોની મૂંઝવણ વધારે છે. આટલા ઊંચા ભાવે પણ ભારતીયો સોનાની તરફદારી કરે છે, આવા રોકાણકારો ગોલ્ડ એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ (ઇટીએફ) તરફ આકર્ષાયા છે, રોકાણકાર એસઆઈપી (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન)નો પણ આસરો લઈ રહ્યા છે.
લાંબાગાળાના રોકાણકાર માટે સોવારીન ગોલ્ડ બોન્ડ પણ વાજબી માધ્યમ છે. આવા બોન્ડ તેની પાકતી તારીખ સુધી વાર્ષિક ૨.૫ ટકા ધોરણે વ્યાજ ચૂકવે છે. તદુપરાંત સોનાના વધતાં ભાવનું વળતર પણ સામેલ છે. રોકાણકારોને સલાહ છે કે તેઓ આ ભાવે સોનામાં વધુ પડતાં રોકાણને અવગણવું જોઈએ.
બુલિયન એનાલિસ્ટ એ જી થોરસન કહે છે કે જો આપણે ૨૦૧૯થી અત્યાર સુધીના ભાવના સતત પ્રવાહને જોઈએ તો નિશ્ચિતપણે સોનું મંદી તરફ પ્રયાણ કરી રહ્યું હતું. તેઓ કહે છે કે પણ હવે નવેમ્બર સુધીમાં ભાવ ૨૦૯૦ ડોલરની ઊંચાઈ આંબી જશે, મને લાગે છે કે ૨૦૨૪મા ભાવ ૩૦૦૦ ડોલર તરફ અગ્રેસર બનશે. સર્વાંગી રીતે જોઈએ તો વર્તમાન તેજી નવી ઊંચાઈ તરફ આગળ વધે તે પહેલા એકાદ બે બોટમ સર્જાશે. સોનાએ નિર્ણાયક ૨૦૦૦ ડોલરની સપાટી કુદાવી દીધી છે, જો ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારશે તો, તેજીવાળા ૨૦૯૦ ડોલરને પાર કરવાનો પ્રયાસ કરશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)