પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડ, પોલીસ કાફલો ઘટનાસ્થળે

admin
1 Min Read

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ માટે પંચમહાલ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારો લઈને લાંબા સમયથી ચાલી રહેલી સસ્પેન્સનો મોડી સાંજે કોંગ્રેસ દ્વારા અંત લાવવામાં આવ્યો હતો. આ પ્રસિદ્ધ કરવામાં આવેલી યાદીમાં ગોધરા બેઠક માટે મહિલા ઉમેદવાર સમેત ચાર બેઠકો માટે ઉમેદવારો પસંદ કર્યા હતા. પરતું આ પસંદગી યાદી બાદ પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડના દ્રશ્યો સામે આવતા રાજકારણ ગરમાયું છે.

શહેરા અને કાલોલ બેઠકમાં ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા બે પ્રબળ દાવેદારોને કોંગ્રેસે ઉમેદવાર બનાવીને ભાજપ સામે જંગમાં ઉતાર્યા છે. રાજેન્દ્ર પટેલને હાલોલ બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જેમાં ગોધરા બેઠક પર રશ્મિતા ચૌહાણની જાહેરાત થતા કેટલાક શખ્સોએ કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો કર્યો હતો. જેમાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચતા તમામ ભાગી છૂટ્યા હતા.

ગોધરા વિધાનસભા બેઠક માટે મહિલા ઉમેદવાર તરીકે રશ્મિતા ચૌહાણનું નામ જાહેર થતાની સાથે વાતાવરણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. જે ઘટનામાં કોઈ સમાજ કે પછી કોઈ વ્યક્તિને ટિકિટ ન ફાળવતા પોતાનો રોષે ઠાલવ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ગોધરા ખાતે વિશ્વકર્મા ચોકમાં આવેલા કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ઉપર પથ્થરમારો કરવામાં આવતા કાચના ભુક્કા બોલી ગયા છે. જોકે કોંગ્રેસ કાર્યાલયમાં વધુ તોડફોડ થાય આ પહેલા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

Share This Article