ગુજરાત એટીએસ ઓપરેશનઃ ગુજરાતમાં આતંકવાદી ગતિવિધિઓને રોકવા અને તેની સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરવાનું ગુજરાત એટીએસનું કામ છે. તાજેતરમાં પોરબંદરમાંથી આતંકવાદી પ્રવૃતિમાં સંડોવાયેલા લોકોની ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે આજે રાજકોટમાંથી આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે સંકળાયેલા 3 લોકોની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસે હથિયારો હોવાનું પણ મનાય છે, જેની તપાસ હાલ ગુજરાત ATS કરી રહી છે.
ગુજરાત એટીએસને થોડા દિવસો પહેલા ચોક્કસ માહિતી મળી હતી કે આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા કેટલાક લોકો રાજકોટમાં છે, આ માહિતીના આધારે ગુજરાત એટીએસ છેલ્લા 10 દિવસથી આ આતંકવાદીઓને શોધી રહી હતી, ત્યારબાદ ગઈકાલે રાત્રે ગુજરાત એટીએસે 3 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ સાથે પોલીસે તેની પાસેથી 1 પિસ્તોલ અને 10 કારતૂસ પણ મળી આવ્યા છે. હજુ પણ આ આતંકીઓ પાસે વધુ હથિયારો છે કે નહીં તે પણ પોલીસ તપાસ કરી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ આ ત્રણેય વ્યક્તિઓ પશ્ચિમ બંગાળના હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ATS હાલ તપાસ કરી રહી છે કે આ ત્રણેય આરોપીઓ ગુજરાતમાં શું કરવા આવ્યા હતા અને તેઓ રાજકોટમાં શું કરતા હતા.
