ગુજરાત : મુખ્યમંત્રી રૂપાણી બનાસકાંઠાની મુલાકાતે, 125 કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે સુવિધા વિકસાવાશે

admin
1 Min Read

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે આવેલ ભારત પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદે રૂપિયા 125 કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે સુવિધા વિકસાવાશે. આગામી 15મી ઓગસ્ટ સુધીમાં સુવિધા ઉભી કરી દેવાની નેમ ગુજરાત સરકારે રાખી છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે, નડાબેટ ખાતે ચાલી રહેલા વિકાસ કામોની સમિક્ષા હાથ ધરી હતી.નડેશ્વરી માતાના મંદિરથી નડાબેટ ઝીરો પોઈન્ટ સુધીના માર્ગ ઉપર આવતા ટી જંકશન ઉપર સૈન્ય દ્વારા યુધ્ધના સમયે ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રોને કાયમી પ્રદર્શનમાં રાખવા માટેની પણ રૂપરેખા તૈયાર કરી દેવાઈ છે.

બોર્ડર ટુરીઝમના ભાગરૂપે, કુલ ચાર ફેઝમાં તબક્કાવાર કામગીરી હાથ ધરાશે. જેમાં પ્રથમ અને બીજા ફેઝમાં 55.10 કરોડના કામ પ્રગતિમાં છે. ફેઝ એકમાં 23 કરોડ અને ફેઝ બે માં 32 કરોડના કામ થઈ રહ્યાં છે. બીજા ફેઝના કામમાં અજય પ્રહરી સ્મારક, પરેડ ગ્રાઉન્ડ, એકઝીબીશન સેન્ટર અને સરહદ સલામતી અંગેની પ્રતિકૃતિ સમાન વિશાળ દરવાજાના કામ હાલમાં ચાલી રહ્યા છે. તો ફેઇઝ-1ના કામમાં, પ્રવાસીઓના આગમન માટેનો આગમન પ્લાઝા, વાહનો માટેનુ પાર્કિંગ, ઓડિટોરિયમ રિટેઇનીંગ વોલ અને પીવાના પાણીની સુવિધા તેમજ ટોયલેટ બ્લોકસના કામો પૂરા કરી દેવાયા છે.

Share This Article