ગુજરાત : દિલ્હીમાં CWCની બેઠક: ગુજરાત કોંગ્રેસને મળશે નવા સુકાની

admin
1 Min Read

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓએ પોતાની રણનીતિ ઘડવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ તાજેતરમાં જ ગુજરાતના પ્રભારીની નિમણૂંક કરવામાં આવી છે. જે બાદ હવે ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતાઓની નિમણૂંકને લઈને અનેક અટકળો થઈ રહી છે. એવામાં આજે મળનારી કોંગ્રેસની કાર્યસમિતિની બેઠકમાં આ અંગે કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને વિધાનસભામાં વિપક્ષના નેતાના નામોની જાહેરાત કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક બાદ કરવામાં આવી શકે છે. તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનેલા ડૉ રઘુ શર્મા પ્રથમ વખત CWCની બેઠકમાં ભાગ લઈ રહ્યાં છે.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની મંજૂરી મળ્યા બાદ ડૉ રઘુ શર્મા નવા અધ્યક્ષ અને વિપક્ષ નેતાના નામોની જાહેરાત કરી શકે છે. ત્યારે ગુજરાતના ભરતસિંહ સોલંકી પ્રદેશ પ્રમુખ નહીં બને પરંતુ તેમની ભૂમિકા હવે ગુજરાત માટે અહેમદ પટેલ જેવી બનશે તેવું સ્પષ્ટ થયું છે. સોલંકીને કોંગ્રેસ ગુજરાતમાં કેમ્પેઇન કમિટીના ચેરમેન બનાવશે. કોંગ્રેસ પ્રમુખ તરીકે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર અને વિધાનસભામાં વિપક્ષ નેતા પદે વીરજી ઠુમ્મર લગભગ નિશ્ચિત મનાય છે. હાર્દિકને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદે યથાવત્ રાખવામાં આવશે. ગુજરાતની ચૂંટણી ઉપરાંત અન્ય રાજ્યોની ચૂંટણીઓ માટે પણ હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને કનૈયા કુમારને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

Share This Article