ગુજરાત : ચૂંટણી આવી રહી છે: સીએમ રૂપાણીના મતવિસ્તારમાં શરુ થશે ‘શેરી ક્લિનિક’

admin
2 Min Read

રાજ્યમાં કોરોના કેસ ઘટતા રાજકીય ગતિવિધિઓમાં ફરી એક વેગ જોવા મળી રહ્યો છે. આવતા વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીઓને લઈને ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે રાજ્ય સરકારે છેક છેવાડાના લોકોને પોતાના વિસ્તારમાં જ આરોગ્ય સેવા મળી રહે તે માટે મહોલ્લા ક્લિનિકના રૂપમાં દીનદયાળ ક્લિનિક શરૂ કરવાનો નવો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જેની પ્રથમ શરૂઆત રાજકોટ શહેરમાં થશે જ્યાં એકસાથે 67 ક્લિનિક શરૂ થશે જેનો આરંભ 2 ઓગસ્ટથી કરવામાં આવશે. ત્યારે વિધાનસભા ચૂંટણી 2022ને ધ્યાનમાં રાખતા સીએમ રૂપાણીએ પોતાના મતવિસ્તાર રાજકોટને આ યોજનાના ટ્રાયલ માટે પસંદ કર્યું હોય તેમ લાગી રહ્યું છે.રાજકોટ મહાનગરપાલિકાના ડે. મ્યુનિસિપલ કમિશનર આશિષકુમારના જણાવ્યા અનુસાર શહેરના એવા વિસ્તારો કે, રૈયાધાર, ભગવતીપરા, કુબલિયાપરા, જંક્શન-સંતોષીનગર, આંબેડકરનગર, ભીમનગર જીવરાજપાર્ક, જિલ્લા ગાર્ડનની વાત કરીએ તો ત્યાંની વસ્તી 3000 હોય અને એક કિ.મી.ના વિસ્તારમાં સરકારી આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલ ન હોય ત્યાં દીનદયાળ ક્લિનિક શરૂ થશે. આ માટે વિસ્તાર નક્કી થઈ રહ્યા છે અને શરૂઆતના તબક્કે 67 તબીબની નિમણૂક કરાશે જેનું વોક ઈન ઇન્ટરવ્યૂ 20મીએ મંગળવારે છે.

health smiles mobile clinic serving rural India

તબીબો સવારના સમયે પોતાની ખાનગી પ્રેક્ટિસ કરશે અને સાંજે 5થી 9 દરમિયાન જે તે વિસ્તારોમાં જઈને નિદાન કરશે. આ માટે તંત્ર તરફથી સરકારી સ્કૂલ, આંગણવાડીના બિલ્ડિંગ આપશે તેમજ જરૂરી દવાઓ પણ આપશે. તબીબ પોતાની સાથે એક પેરામેડિકલ સ્ટાફ સાથે રાખશે દીનદયાળ ક્લિનિક શરૂ કરવા માટે ખાનગી તબીબોની સેવા લેવાશે. એમબીબીએસ ડોક્ટર હોય તો મહિને 30,000 અને આયુષ એટલે કે બીએચએમએસ ડોક્ટર હોય તો તેને મહિને 23000 રૂપિયા માસિક ભથ્થું અપાશે. આ ભથ્થામાં ડોક્ટર ઉપરાંત તેની સાથે એક પેરામેડિકલ સ્ટાફનો પણ સમાવેશ થાય છે. તંત્ર તરફથી જગ્યા, ફર્નિચર અને દવાઓ અપાશે જ્યારે તબીબ સ્ટેથોસ્કોપ સહિતના જરૂરી સાધનો પોતાની પાસે હોય તે વાપરવાના રહેશે.

Share This Article