ગુજરાત : 11 જુલાઇ પછી રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના: હવામાન વિભાગ

admin
2 Min Read

રાજ્યમાં વરસાદે હાલ વિરામ લીધો છે. લાંબા વિરામ બાદ ફરીથી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. અનેક દિવસથી રાજ્યમાં વરસાદનું આગમન થયુ નથી. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, 11 જુલાઈ બાદ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ શકે છે. લો પ્રેશર સિસ્ટમ સર્જાતા ગુજરાતમાં પણ સારો વરસાદ પડી શકે છે. રાજ્યમાં 10 જુલાઈથી આકાશ વાદળછાયુ રહેશે. ત્યારે હવે લોકોને વધુ રાહ જોવી નહિ પડે.
હવામાન ખાતાના અપડેટ અનુસાર, રાજ્યના વિવિધ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. ત્રણ દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 11થી 13 જુલાઈ અને સૌરાષ્ટ્રમાં 12, 13 જુલાઈએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા વગેરે વિસ્તારમાં વરસાદી ઝપટા પડી શકે છે. હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાઈ રહ્યું છે.

જેથી ત્રણ દિવસ બાદ એટલે કે 11 જુલાઈથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા છે. IMDના અધિકારીએ જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રમાણમાં સારો વરસાદ પડ્યો છે. જ્યારે તારીખ 11 જુલાઇ પછી રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે. જોકે, આ વર્ષે શરૂઆતમાં જ વરસાદ ખેંચાયો છે. આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટાપાયે ચોમાસાના પાકનું વાવેતર થયું છે. જો વરસાદ નહીં આવે તો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી બાદ ગુજરાતના ખેડુતોમાં ખુશી જોવા મળી રહી છે. હાલ રાજ્યમાં ભારે ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે. ગરમીથી કંટાળેલા લોકો વરસાદની રાહ જોઈને બેઠાં છે. પણ હવામાન વિભાગની આગાહી બાદ વરસાદ પડશે તો લોકોને ગરમીથી છૂટકારો મળશે.

Share This Article