ગુજરાત : ગુજરાત સરકાર પણ લાગુ કરશે નવો ભાડુઆત કાયદો

admin
2 Min Read

ભારત સરકારના મોડેલ ટેનન્સી એક્ટ 2021ના આધારે ગુજરાત સરકાર પણ રાજ્યમાં હાલના ગુજરાત ભાડા, હોટલ અને લોજિંગ હાઉસ રેન્ટ્સ કંટ્રોલ એક્ટ, 1947 ના બદલે નવો ભાડુઆત કાયદો લાગુ કરવાની યોજના ધરાવે છે. ત્યારે ગુજરાતમાં 1947થી ચાલ્યો આવતો આ ભાડૂઆત અંગેનો કાયદો સુધારવા ગુજરાત સરકારે પ્રયત્નો શરૂ કર્યા છે. રાજ્યમાં ભાડે અપાતી પ્રોપર્ટી ખાલી નહી કરવા જેવા અનેક વિવાદોના સેંકડો કેસો અદાલતોમાં પેન્ડિંગ છે. ત્યારે આવા વિવાદો રોકવા માટે કેન્દ્રના ધોરણે ગુજરાત સરકાર પણ મોડલ ટેનન્સી કાયદો 2021 દાખલ કરવાની તૈયારીમાં છે. 1947નો ભાડા, હોટલ એન્ડ લોજિંગ હાઉસ રેટ કન્ટ્રોલ એકટના સ્થાને આ નવો કાયદો અસ્તિત્વમાં આવશે. જેમાં પ્રોપર્ટી માલિક તથા ભાડૂઆત એમ બન્નેનાં હિતો જળવાય એની કાળજી રાખીને નવો મુસદો તૈયાર કરવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે 1947ના કાયદાના સ્થાને નવો ભાડૂઆત કાયદો લાગુ પાડવાનો નિર્ણય લેવાયો છે. વિધાનસભાના આગામી સત્રમાં જ દાખલ થઈ શકે છે. જે કેન્દ્ર સરકારે ઘડેલા કાયદા જેવો જ હશે.

આ નવા કાયદામાં પ્રોપર્ટી માલિક તથા ભાડૂઆત વચ્ચે કરાર કરવાનું ફરજિયાત હશે, એમાં ભાડું આપવાના સમયગાળો સહિતની વિગતો દર્શાવવાની રહેશે. ભાડાની પ્રોપર્ટીના નિયમન માટે રેરાના ધોરણે ઓથોરિટીની રચના કરવામાં આવશે. કોઈપણ જગ્યા પ્રોપર્ટી ભાડે લેનારી વ્યકિતને બે માસનું એડવાન્સ ભાડું આપવાની પણ જોગવાઈ રાખવામાં આવી છે. વ્યાપારી કે ઔદ્યોગિક પ્રોપર્ટી માટે છ મહિનાના એડવાન્સ ભાડાની જોગવાઈ કરવામાં આવી છે. પેટા-ભાડૂઆત સંબંધી પણ ખાસ જોગવાઈ છે. આ સૂચિત કાયદાના મુખ્ય મુદ્દા જોઈએ તો એમાં ત્રિસ્તરીય કાનૂની સુવિધા રહેશે. ભાડા પ્રોપર્ટી વિવાદને સિવિલ કોર્ટમાં પડકારી નહીં શકાય. રેન્ટ ઓથોરિટી તથા રેન્ટ કોર્ટની રચના કલેકટર કરશે. ભાડૂઆત નિયત ભાડું ના ચૂકવે અથવા બે માસ કરતાં વધુ સમય સુધી નાણાં ના ચૂકવે તો ખાલી કરાવી શકાશે. તેમજ પ્રોપર્ટી ભાડે આપતાં પૂર્વે માલિક તથા ભાડૂઆત વચ્ચે લેખિત કરાર ફરજિયાત હશે, એમાં નિયમ-શરતો દર્શાવવા પડશે. તો બીજી બાજુ રેસિડેન્શિયલ પ્રોપર્ટી માટે મહતમ બે માસ તથા કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રિયલ પ્રોપર્ટી માટે 6 માસનું એડવાન્સ ભાડું લઈ શકશે. આ સિવાય પ્રોપર્ટી ખાલી કરાવવા માટે રેન્ટ ઓથોરિટીને અરજી કરવાની રહેશે.

Share This Article