ગુજરાત-વિધાન સભા ગૃહમાં કોંગ્રેસનો હોબાળો

admin
2 Min Read

કચ્છના મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સનો મામલો વિધાનસભા ગૃહમાં આજે ગૂંજ્યો. વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના સભ્યો સામ સામે આવી ગયા હતાં. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સવાલ કર્યો હતો કે, ‘કોના ઓઠા હેઠળ મુંદ્રા પોર્ટ પર આટલી મોટી રકમનું ડ્રગ્સ આવ્યું.’ આ મુદ્દે કોંગ્રેસના સભ્યોએ ભારે હોબાળો મચાવી સરકાર વિરૂદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતાં. જો કે, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કોંગ્રેસના સભ્યો પર આક્રમક રીતે પલટવાર કર્યો હતો. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ‘ગુજરાત ATS એ મોટું ઓપરેશન હાથ ધરીને હેરોઇન પકડ્યું છે. ગુજરાતના પોલીસ જવાનોએ 72 કલાક જીવ જોખમમાં રાખીને ઓપરેશન પાર પાડ્યું છે.’ જો કે, હર્ષ સંઘવીના જવાબ બાદ પણ કોંગી સભ્યોએ હોબાળો ચાલુ રાખ્યો. જ્યાર બાદ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ હર્ષ સંઘવીને ગૃહમાં યોગ્ય રીતે વર્તન કરવા ટકોર કરી.

અમિત ચાવડાએ જણાવ્યું કે, ‘ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ગરિમા જાળવે. કોઇ ગલીમાં ભાષણ કરતા હોય તેવી ભાષા ગૃહમાં ન શોભે.’ અત્રે નોંધનીય છે કે ગુજરાત વિધાનસભા ગૃહમાં 2 દિવસનું ચોમાસું સત્ર યોજાઇ રહ્યું છે. એટલે કે આજથી ગૃહમાં ચોમાસું સત્ર શરૂ થયું છે. જે 2 દિવસનું જ છે ત્યારે આ ચોમાસાના સત્રમાં ભાજપ-કોંગ્રેસના સભ્યો સામસામે આવી ગયા હતાં. જેમાં કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. કારણ કે થોડાંક દિવસો પહેલાં મુંદ્રા પોર્ટ પર ખૂબ જ મોટા પ્રમાણમાં પકડાયેલા ડ્રગ્સના જથ્થાને લઇ રાજ્ય સરકાર તરફ સતત વિપક્ષ દ્વારા આંગળી ચિંધવામાં આવી રહી છે, ત્યારે આજે ચોમાસું સત્ર શરૂ થતા જ ગૃહમાં આ મુદ્દો ઉછળ્યો હતો.

Share This Article