હાથરસ રેપ કેસ : શા માટે સુપ્રીમે કહેવું પડ્યું અમારે દુનિયાની સલાહની જરુર નથી

admin
1 Min Read

ઉત્તરપ્રદેશના ચકચારી હાથરસ ગેંગરેપ કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. 14 સપ્ટેમ્બરના રોજ હાથરસમાં અનુસૂચિત જાતિની યુવતિ સાથે થયેલ કથિત સામૂહિક બળાત્કારની ઘટના મામલે સુપ્રીમે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. તેમજ આ કેસને અલાહાબાદ હાઈકોર્ટમાં મોકલવા માટે સંકેત પણ આપ્યો છે. સુનાવણી દરમિયાન આકરી દલીલોનો મારો ચાલ્યો હતો.

કોર્ટે કહ્યુ કે પહેલા હાઈકોર્ટમાં સુનાવણી થવા દો, ત્યારબાદ અમે તેના પર નજર રાખી શકીએ છીએ. સુનાવણી દરમિયાન પીડિતા તરફથી વકીલ સીમા કુશવાહાએ તો યુપી સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ રજુ કરી હતી. કેસની દલીલો એટલી હદે વધી ગઈ કે ચીફ જસ્ટિસ બોલી ઉઠ્યા કે આરોપી, સરકાર અને પીડિતાના પરિવારને અમે સાંભળી લીધા છે.

હવે અમારે આખી દુનિયાનાં મંતવ્ય કે સલાહની જરૂર નથી. સુપ્રીમ કોર્ટમાં પીડિત પરિવારે આ મામલે ટ્રાયલ દિલ્હીમાં કરાવવાની અપીલ કરી હતી. પીડિતા તરફથી વકીલ સીમા કુશવાહાએ કહ્યું કે તપાસની વાત મામલાની ટ્રાયલ દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવે. જે અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે આદેશ અમે આપીશું. આપને જણાવી દઈએ કે, આ કેસની તપાસ હાલ સીબીઆઈની ટીમ કરી રહી છે અને સીબીઆઈની ટીમે ફોરેન્સિક એક્સપર્ટની સાથે મંગળવારે ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી અને ત્યારબાદ પીડિતાના પરિજનોની પણ પૂછપરછ કરી હતી.

Share This Article