ભારે વરસાદથી પાણીમાં ગરકાવ થયું મુંબઈ

admin
2 Min Read

ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની સ્થિતિ ખૂબ જ દયનીય બની છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તમામ વાહન વ્યવહાર પણ ઠપ થઈ જવા પામ્યો છે. સ્થિતિ એવી છે કે માત્ર 12 કલાકમાં જ મુંબઈના કોલાબા વિસ્તારમાં છેલ્લા 46 વર્ષનો રેકોર્ડ વરસાદ વરસ્યો હતો.

મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. વરસાદના કારણે લોકો ખરાબ સ્થિતિમાં મૂકાયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

જેના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફુંકાતા વૃક્ષ ધરાશાયી થવાના પણ બનાવ સામે આવ્યા છે. મુંબઈની સાથે સાથે પાલઘર, પૂણે, સતારા, કોલ્હાપુર, થાણે, રત્નાગીરી સહિતના ભાગોમાં ભારે વરસાદ વરસ્યો હતો.

રાહત અને બચાવ માટે એનડીઆરએફની પણ ટીમ તૈનાત કરવામાં આવી છે. જ્યારે મસ્જિદબંદર અને ભાયખલા વચ્ચે ટ્રેક પર પાણી ભરાઈ જતા 2 લોકલ ટ્રેનમાં ફસાયેલા 250 લોકોનું એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ હાથ ધરી બચાવ્યા હતા.આ સાથે જ ભારતીય હવામાન વિભાગ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ યથાવત રહેવાની આગાહી કરી છે. વરસાદના કારણે ઊભી થયેલી કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે મહારાષ્ટ્રમાં NDRFની 16 ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમાંથી 5 મુંબઈમાં તૈનાત છે. આ ઉપરાંત 4 ટીમ કોલ્હાપુર, 2 ટીમ સાંગલી અને 1-1 ટીમ સતારા, થાણે, પાલઘર, નાગપુર અને રાયગઢમાં તૈનાત કરવામાં આવી છે.

Share This Article