કોરોનાકાળમાં ગુજરાતના નેતાઓ બન્યા બેજવાબદાર, ભૂલ્યા નિયમો

admin
2 Min Read

ચીનના વુહાન શહેરથી શરુ થયેલ કોરોનાનું સંક્રમણ આજે દુનિયાના અનેક દેશોમાં ફેલાયું છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસોની સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે. લોકડાઉનના સમયગાળામાં જે કેસ 300થી 400ની સંખ્યામાં નોંધાતા હતા તે આજે 1 હજારની ઉપર નોંધાવા લાગ્યા છે. ગુજરાતમાં સામાન્ય લોકોની સાથે સાથે રાજકીય નેતાઓ પણ કોરોનાના સંક્રમણમાં આવી ચુક્યા છે. ગુજરાતમાં સૌ પ્રથમ કોંગ્રેસના કેટલાક નેતાઓ કોરોનાના સંક્રમણમાં આવવા લાગ્યા હતા.

ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા, ભરતસિંહ સોલંકી સહિતના નેતા કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જોકે ત્યારબાદ અચાનક આ સંક્રમણ ભાજપમાં ફેલાતુ ગયું. ખાસ કરીને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન કોરોનાકાળમાં યોજેલી રેલીઓમાં સરકારની ગાઈડલાઈનનું છડેચોક ઉલ્લંઘન થયું. જેમાં કોરોનાનું સંક્રમણ વધ્યું. જોકે તેમ છતાં તેમનો આ પ્રવાસ પુરો થયો ત્યાં ઉત્તર ગુજરાતનો પ્રવાસ યોજાયો, જ્યાં પણ કાયદાના લીરેલીરા ઉડ્યા.

ભાજપના અનેક ધારાસભ્યો ત્યારબાદ કોરોનાની ઝપેટમાં આવ્યા. આ કોરોના સંક્રમણે ભાજપમાં અટકવાનું નામ ન લેતા છેલ્લે ભાજપ કાર્યાલય શ્રીકમલમમાં પણ ફેલાયું અને અંતે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ પોતે કોરોનાની ઝપેટમાં આવી ગયા. સીઆર પાટીલનો રિપોર્ટ પોઝિટિવ આવતા સંગઠનના આગામી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા.

વિપક્ષે પણ આ મામલે ભાજપને ઘેરી અને સીઆર પાટીલને કોરોનાનું સંક્રમણ ફેલાવવાનો આરોપ લગાવ્યો. આ આક્ષેપ અન્ય કોઈએ નહીં પણ ઈમરાન ખેડાવાલા કે જેઓ ગુજરાત કોંગ્રેસના પ્રથમ ધારાસભ્ય હતા જે કોરોનાની ઝપેટમાં સૌ પ્રથમ આવ્યા હતા. જોકે ડાહી સાસરે ના જાય અને ગાંડાને શીખામણ આપે એ કહેવત કોંગ્રેસ નેતાઓ પર સેટ થતી હોય તેમ લાગે છે. કારણકે ખૂદ કોંગ્રેસના નેતાઓ પણ કોરોનાકાળમાં બેદરકારી દાખવતા જોવા મળ્યા હતા.

કોંગ્રેસના હાર્દિક પટેલ, અમિત ચાવડાના કાર્યક્રમમાં કેટલાક કોંગ્રેસના કાર્યકરો માસ્ક વિના જોવા મળ્યા હતા. જ્યારે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ ઉલ્લંઘન જોવા મળ્યુ હતું. ત્યારે જ્યારે ભાજપ અને કોંગ્રેસ પક્ષના નેતાઓ જ જો આ રીતે બેજવાબદાર રહે તો રાજ્યના નાગરીકોને કઈ રીતે નિયમોનું પાલન કરવાની શીખામણ આપવી?

(ચિંતન મિસ્ત્રી, અમદાવાદ)

 

Share This Article