ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ પાર્લમાં રમાવાની છે. ભારતે શ્રેણીની પ્રથમ મેચ જીતી હતી જ્યારે યજમાન દક્ષિણ આફ્રિકાએ બીજી મેચ જીતીને જોરદાર વાપસી કરી હતી. આ મેચ બંને ટીમો માટે કરો યા મરો હોઈ શકે છે, પરંતુ આ સિવાય સંજુ સેમસન માટે આ કોઈ લિટમસ ટેસ્ટથી ઓછી નહીં હોય. સિરીઝની પ્રથમ બે મેચમાં માત્ર ટાર્ગેટનો પીછો કરતી ટીમ જ જીતે છે, આવી સ્થિતિમાં ટોસની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. પ્રથમ દાવમાં બેટિંગ મુશ્કેલ રહી છે, જ્યારે બીજી ઈનિંગમાં બોલ વધુ સારી રીતે બેટ પર આવ્યો છે. સંજુ સેમસનને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે વનડે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને પ્રથમ મેચમાં રમવાની તક મળી ન હતી. પ્રથમ મેચ બાદ કેપ્ટન કેએલ રાહુલે કહ્યું હતું કે સેમસનને ચોક્કસપણે આ સીરીઝમાં રમવાની તક મળશે અને બીજી મેચમાં પણ આવું જ જોવા મળ્યું હતું.
સેમસન બીજી વનડેમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે રમ્યો હતો. સેમસનની વિકેટકીપિંગ સારી હતી, પરંતુ તે બેટથી કંઈ ખાસ કરી શક્યો નહોતો. પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલો સેમસન 23 બોલમાં માત્ર 12 રન બનાવીને આઉટ થયો હતો. સેમસનને બીજી વનડેમાં મોટી ઇનિંગ્સ રમીને ODI ટીમમાં પોતાનો દાવો મજબૂત કરવાની તક મળી હતી, પરંતુ એવું બન્યું નહીં. જો આપણે સેમસનની ODI કારકિર્દી પર નજર કરીએ તો તેણે 15 ODI ઈન્ટરનેશનલ મેચોની 13 ઈનિંગ્સમાં 50 ની એવરેજથી કુલ 402 રન બનાવ્યા છે.
સેમસને 2015માં ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું અને 2021માં ઓડીઆઈ ડેબ્યૂ કર્યું હતું. સેમસન માટે આજની મેચ ઘણી મહત્વની બની શકે છે. તેણે ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે મોટી ઇનિંગ્સ રમવી પડશે, જ્યારે બીજી નિષ્ફળતા તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત લાવી શકે છે. સેમસનને ક્યારેય ટીમમાં સતત તક મળી નથી અને તેથી જ તે ક્યારેય ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શક્યો નથી.