રાજકોટ ક્રાઈમબ્રાન્ચે ત્રણ પરપ્રાંતીય ઇસમોની સીસીટીવી કેમેરાના આધારે ધરપકડ કરી છે. આ ઈસમો મોટાભાગે શહેરના અલગ અલગ વિસ્તારમાં રાત્રી દરમિયાન પાર્ક કરેલી કાર અથવા ગાડીઓના કાચ તોડી કારમા રહેલ કિંમતી સામાનની ચોરી કરતા હતા. જેને રાજકોટ ક્રાઈમબ્રાન્ચે મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઈસમોએ ભારતના અલગ અલગ શહેરમાં આ પ્રકારે 30થી વધુ ચોરી કર્યાની કબૂલાત આપી છે. હાલ પોલીસ દ્વારા ઇસમોની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ડિસમીસથી ફોરવ્હિલના કાચ તોડી મ્યુઝિક સિસ્ટમની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગના ત્રણ સભ્યો પોતાની પાસે રહેલી કાર લઇને સોસાયટીમાં આવતા અને પાર્ક કરેલી ગાડીના કાચ ડિસમીસથી તોડી અંદરથી મ્યુઝિક સિસ્ટમની ચોરી કરતા હતા. આ ગેંગમાં અહેમદ ઉર્ફે લદન જમીલ ખાન (રહે. મહારાષ્ટ્ર), મીનાઝ અહેમદ હુનરેકર (રહે. મહારાષ્ટ્ર) અને જમીલ મહમદ કુરેશીનો સમાવેશ થાય છે. પોલીસે આ ત્રણેય પાસેથી વેગનઆર કાર, ગોલ્ડન કલરની હોન્ડાસિટી કાર, ચોરી કરવાના સાધનો સહિત 2,00,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલા ત્રણેય શખ્સો એકબીજા જૂના મિત્રો છે. અને છેલ્લા 15 વર્ષથી ફોરવ્હિલ કારના કાચ તોડી મ્યુઝિક સિસ્ટમની ચોરીઓ કરે છે.